સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૭ માં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશ અને અગ્રણી સોહિલ શેખ દ્વારા નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં સોહિલ શેખે પાલિકાની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સરકારની ગ્રાન્ટ હોવા છતાં જનતાને હાલાકી ભોગવવી પડે તે જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.
ગ્રાન્ટ પડી હોવા છતાં કામગીરીમાં ઠાંગાઠૈયા થતાં હોય તેમ જણાય છે. સરકાર તરફથી રોડ રિસરફેસિંગ માટે જે રકમ ફાળવવામાં આવી છે, તે પાલિકાની તિજોરીમાં પડી છે. સોહિલ શેખે પ્રશ્ન કર્યો છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં વિલંબ કોના ઈશારે થઈ રહ્યો છે? માત્ર કાગળ પર કામ કરવાને બદલે પાલિકાના એન્જિનિયરો વોર્ડ નંબર ૭ માં રૂબરૂ આવે અને રસ્તાઓ પર પડેલા જોખમી ખાડાઓનું નિરીક્ષણ કરી યાદી બનાવે તેવી માંગણી કરવામાં આવી છે.
તૂટેલા રસ્તાના કારણે ઉડતી ધૂળથી વૃદ્ધો-બાળકો બીમાર પડી રહ્યા છે અને ખાડાઓના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે, જેની જવાબદારી પાલિકાની છે. સોહિલ શેખે રજૂઆતના અંતે સ્પષ્ટ જણાવ્યું છે કે વોર્ડ નંબર 7 ના નાગરિકો હવે વધુ રાહ જોશે નહીં. જો તાત્કાલિક ધોરણે પેચવર્ક કે રિસરફેસિંગ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં નગરપાલિકા કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.


















Recent Comments