ખાસ લેખ – બાગાયત ક્ષેત્રે નંદનવન બની રહેલો અમરેલી જિલ્લો

રાજ્યમાં ખેતીવાડી સાથે બાગાયત ક્ષેત્રે પણ ખેડૂતો હરણફાળ ભરી રહ્યા છે. નવીન બાગાયતોના પાકોના વાવેતર અને રાજ્ય સરકારની સહાયતા સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ બાગાયતી પાકોનો વ્યાપ વધી રહ્યો છે. અમરેલી જિલ્લો ખેતી સાથે બાગાયત ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે.
અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૩૨૫.૨૭ હેકટર વિસ્તારમાં ફળઝાડનું નવું વાવેતર થયું છે. જે બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર પ૮,૧૦૨ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૬૬,૧૭૭ હેકટર થયો છે. જિલ્લામાં મુખ્યત્વે આંબા, લીંબુ ટીસ્યુ કલ્ચર કેળ, દાડમ, પપૈયા, બૌર, જામફળ વગેરે બાગાયતી પાકોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારની યોજનાઓ પૈકી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અમરેલી જિલ્લામાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ( HRT-2) એચ.આર.ટી.-૨ હેઠળ ૩,૧૦૫ લાભાર્થીઓને રુ.૩૧૭.૫૨ લાખની સહાય, ગુજરાત હોર્ટીકલ્ચર મિશન એચ.આર.ટી.-૦૯ (HRT-9) હેઠળ ૧,૪૧૯ લાભાર્થીઓને રુ.૧૬૩.૮૮ લાખની સહાય તેમજ અનુસૂચિત જાતિના ૪૫૦ લાભાર્થીઓને રુ.૩૨.૧૩ લાખની સહાય ચૂકવવામાં આવતા જિલ્લાના ૪,૯૭૫ લાભાર્થીઓને રુ.૮૧૫.૫૩ લાખની બાગાયતની વિવિધ યોજનાકીય સહાય ચૂકવવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ખેડૂત તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ ખેડુતોને (એફ.પી.ઓ/ એફ.પી.સી) બનાવી પોતાનો ઉત્પાદિત માલ સીધો જ ગ્રાહક સુધી પહોંચાડી પોતાના બાગાયતી ઉત્પાદનના ઉત્કૃષ્ટ ભાવ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોમાં ઉત્પાદન એકંદરે ઓછુ હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બાગાયત ખાતા દ્વારા સરકારશ્રીની સહાયથી ખેડૂતો કારેલાં, ટમેટાં, દૂધી વગેરે જેવા પાકોની મંડપ પધ્ધતિથી ખેતી કરતા થયા છે જેના પરિણામે ખેડૂતોને ઉત્પાદનમાં ઘણો જ વધારો થયો છે, તેમજ ગુણવત્તા યુક્ત ઉત્પાદનના લીધે બજારભાવ પણ વધારે મળી રહે છે.
અમરેલી જિલ્લામાં બાગાયત માટેના નવીન અભિગમ તરીકે બાગાયત ખાતા દ્વારા સરકારની વિવિધ યોજનાકીય સહાયથી ખેડૂતોને પ્રોત્સાહિત કરી નવીન પાક તરીકે ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે અને જિલ્લામાં ખારેકના પાકને નવા પાક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
મધમાખી પાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહે, જિલ્લાના ખેડૂતો મધમાખી પાલન તરફ વળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં નવીન પાક તરીકે ડ્રેગનક્રુટ તેમજ અંજીરના વાવેતરનો નવીન અભિગમ પણ પ્રગતિશીલ ખેડૂતોએ અપનાવ્યો છે.જિલ્લામાં ગ્રીન હાઉસ તેમજ નેટ હાઉસ થકી ખીરા-કાકડીનો પાક લેવામાં આવે છે, જેના થકી ખેડૂતોને સારા એવા બજારભાવ મળી રહે છે. જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની સ્થાપના થકી ડુંગળી, લસણ તેમજ અન્ય મરી-મસાલા પાકના પ્રોસેસીંગ થકી વિદેશમાં નિકાસ કરવાની ઉજળી તકી પ્રાપ્ત થઇ છે.વર્ષ ૨૦૨૪-૨૫ માં ડિસેમ્બર-૨૦૨૪ અંતિત વિવિધ બાગાયતી યોજનાઓમાં ૫,૧૪૦ લાભાર્થીઓને રુ.૬૧૩.૧૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
Recent Comments