અમરેલી જિલ્લામાં ખાસ ઝૂંબેશ હેઠળ ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ સંબંધિત મામલતદારશ્રીની કચેરી, ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વી.સી.ઈ પાસેથી અરજીફોર્મ મેળવવાના રહેશે. ઉપરાંત અરજદારો વેબસાઈટ http://emahilakalyan.guj.gov.in/ પરથી પણ અરજીફોર્મ મેળવી શકે છે.
ગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. દીકરી જન્મને પ્રોત્સાહન મળે, સ્ત્રીભૃણ હત્યા અટકે, સ્ત્રી શિક્ષણમાં વધારો થાય તેમજ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મજબૂત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં “વ્હાલી દીકરી યોજના” અમલી બનાવવામાં આવી છે.
આ યોજના અન્વયે લાભાર્થી દીકરીને કુલ રૂ. ૧,૧૦,૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર છે. પ્રથમ હપ્તો દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશે તે સમયે રૂ. ૪ હજાર, બીજો હપ્તો દીકરી નવમાં ધોરણમાં પ્રવેશે ત્યારે રૂ. ૬ હજાર અને ત્રીજો હપ્તો દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂ. ૧ લાખની રકમ મળવાપાત્ર છે.
અરજીકર્તા અરજદારે લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બંનેના આધારકાર્ડ, રેશનકાર્ડ જેમાં લાભાર્થી દીકરીનું પણ નામ હોય તે, નિયત નમુનાનું સ્વ ઘોષણાપત્ર, માતા-પિતા કે વાલીનું આવક પ્રમાણપત્ર, નિયત એકરારનામું, લાભાર્થી દીકરી કે માતા-પિતાના બેંક ખાતાની પાસબુક નકલ સહિતના આધાર પુરાવા અરજી સાથે રજૂ કરવાના રહે છે. વધુ માહિતી માટે અમરેલી જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીશ્રીની કચેરી સંપર્ક નં. ૦૨૭૯૨ ૨૨૬૧૭૭ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments