ગાંધીનગર: ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા ગાંધીનગર ખાતે વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. આ અધિવેશનમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત શિક્ષકોનું ગૌરવભર્યું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન રતિભાઈ ચૌહાણ (રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી માન. શ્રીમતી રિવાબા જાડેજા તથા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે બહેનશ્રીને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ વ્યસન મુક્તિ, યુવા ચરિત્ર નિર્માણ, નારી ઉત્થાન તથા સ્વાવલંબન જેવા ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત છે. સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં સરળ પદ્ધતિઓ, હસ્તલિખિત અસાઈમેન્ટ્સ અને વ્યવહારુ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવાના પ્રયાસો તેઓ સતત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બહેનશ્રીએ વર્ષ 2023માં જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા વર્ષ 2024માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમના શિક્ષણ અને સમાજસેવાના કાર્યોને ઉપસ્થિત મહાનુભાવો તથા શિક્ષક સમુદાય દ્વારા વિશેષ પ્રશંસા મળી હતી.
ગાંધીનગર ખાતે ભાવનગરનાં વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણનું વિશેષ સન્માન


















Recent Comments