ગુજરાત

કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ

ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલા આ કન્ટેનર બનાવતી કંપની હાલ ઓર્ડર મુજબ રોજના ૧૫ જેટલા કન્ટેનર બનાવી રહી છે આ કંપની હવે રોજના ૧૦૦ જેટલા કન્ટેનર તૈયાર કરી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર છે. ત્યારે કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ રેલવે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં વૈશ્વિક ક્ષેત્રે કન્ટેનરની માંગ પૂરી કરવા આ કંપની સજ્જ હોઈ તેને આવશ્યક લાગે ત્યાં સરકારની મદદ મળી રહેવાની બાંહેધરી પણ મંત્રીશ્રી દ્વારા આપવામાં હતી.
આ તકે મંત્રીશ્રીની સાથે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનરશ્રી ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ, આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ના શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts