અમરેલી

માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત પીપાવાવ ખાતે વિશેષ ટ્રાફિક ચેકિંગ ડ્રાઇવ યોજાઈ

એ.આર.ટી.ઓ. અમરેલી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-સપ્તાહ” અંતર્ગત તા. ૨૮.૦૧.૨૦૨૬ ના રોજ “રોડ સેફ્ટી વિક” અંતર્ગત પીપાવાવ APL  ટર્મિનલ ખાતેથી રોડ સેફ્ટી વિષયક વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ અભિયાન દરમિયાન આશરે ૧૩૦ જેટલા ડ્રાઇવર-માલિકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહન ચાલકોને રોડ સેફ્ટીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો,નશીલા પદાર્થોનું સેવન કરી અને વાહન ન ચલાવવું, હેલ્મેટ તથા સીટ બેલ્ટ ફરજિયાત પહેરવી, વાહનના લાઇટ, ઇન્ડિકેટર, બ્રેક, LED લાઇટ, સાઈડ ગ્લાસ તથા નંબર પ્લેટ યોગ્ય હોવા જોઈએ તેવી સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્શ્યોરન્સ, PUC સર્ટિફિકેટ ચકાસવામાં આવ્યા હતા તથા નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રક તથા ભારે વાહનોમાં પાછળ પીળા રંગની રિફ્લેક્ટિવ સાઇડ લાઇન તથા રેડિયમ લગાવવાની અનિવાર્યતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રોડ અકસ્માતોને અટકાવવા માટે દરેક વાહનચાલકે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું તથા રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આવા અભિયાન આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Related Posts