અમરેલી જિલ્લાના ૩૬૧ ગામમાં ખાસ મહિલા ગ્રામસભા યોજાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમરેલી જિલ્લાના ૩૬૧ ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧,૮૪૬ સગર્ભા બહેનોનું કાઉન્સેલિંગ અને ૧,૭૬૫ સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ મહિલા ગ્રામસભાઓમાં મહિલાઓને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓની સંસ્થાકીય સુવાવડ થાય તે માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર.એમ. જોષીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના ગામડાઓમાં યોજાયેલ આ ખાસ ગ્રામસભાઓમાં નમો શ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, વેરી હાઈરિસ્ક સગર્ભા માતા સહાય અને બિનચેપી રોગના સ્ક્રિનિંગ વિશે વિગતો આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તા.૮ માર્ચના રોજ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરવામાં આવે છે, આ વર્ષે એક્સિલરેટ એક્શનથી ઉપર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગ્રામ સભાઓમાં આરોગ્ય કર્મચારી દ્વારા મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા મહિલા સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે સગર્ભા બહેનોને વધુ સાર સંભાળની જરૂર છે તેવા બહેનોને ન્યુટ્રીશન કિટના વિતરણ દ્વારા આ ગ્રામસભાઓનું સમાપન કરવામાં આવ્યું હતું.
સગર્ભા માતાઓ પૂરતું ન્યુટ્રીશન અને પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ લે ઉપરાંત સરકારી આરોગ્ય સેવાનો પૂરતો ઉપયોગ કરે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમ અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments