સુરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની SIMS હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
દામનગર ના રમેશભાઈ વલ્લભભાઇ નારોલા ઉ.વ ૫૩ બ્રેઈન ડેડ થતા તેમના પરિવારે
ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો પાંસઠથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
બનાવની વિગત
મૂળ સૌરાષ્ટ્ર ના દામનગર ના ૧૦૧, શિવનગર સોસાયટી વિભાગ-૨, આંબાતલાવડી, કતારગામ, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને વરાછામાં આવેલ રોયલ સ્ટાર ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બુધવાર તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૮:૦૦ કલાકે ભોજન લઈ રહ્યા હતા, ત્યારે તેઓને ચક્કર તેમજ બેચેની લાગવાની ફરિયાદ કરતાં પરિવારજનો એ તેમને ઘરની પાસે આવેલ દવાખાનામાં લઈ ગયા હતા. ડોક્ટરે તપાસ કરતાં તેમનું બ્લડપ્રેશર ખૂબ જ વધી ગયું હતું, તેથી તેમને હોસ્પીટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક SIMS હોસ્પિટલમાં ડૉ. નરેન્દ્ર ગઢીયાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. ૧૯ ફેબ્રુઆરી ના રોજ મેડિકલ ડિરેક્ટર ડૉ. નરેન્દ્ર ગઢીયા, ન્યુરોફીજીશીયન ડૉ. રાકેશ ભરોડિયા, ઇન્ટેસિવીસ્ટ ડૉ. કૌશલ પટેલ અને મૅડિકલ રજીસ્ટાર ડૉ. ભાર્ગવ ઉમરેટિયાએ રમેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
નારોલા પરિવારના હર્ષદભાઈ નારોલાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, રમેશભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રમેશભાઈના પત્ની મધુબેન, પુત્રો નેમીશ અને કેનીલ, પિતરાઇ ભાઈ હર્ષદભાઈ અને હિતેષભાઈ, કાકા ઠાકરસીભાઈ, જમાઈ તૃપેશકુમાર રાજુભાઇ વાવડીયા, સાળા રવજીભાઇ તળસીભાઈ નવાપરા,વેવાઈ નીતિનભાઈ રજોડીયા, બનેવી રસિકભાઈ તાગડીયા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને મહત્વ સમજાવ્યું. રમેશભાઈની પત્ની મધુબેન, પુત્રો નેમીશ અને કેનીલે જણાવ્યુ કે મારા પતિ\પપ્પા વારંવાર કહેતા કે અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. તેઓ હમેશા કહેતા કે જો હું બ્રેઇન ડેડ થાઉં તો મારા અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપજો. રમેશભાઈ ની પત્ની મધુબેન, બંને પુત્રો નેમીશ, કેનીલ તેમજ ડાહ્યાદાદા નારોલા (દામનગરવાળા) પરિવારે રમેશભાઈની ઈરછા પૂર્ણ કરવા તેમના અંગદાન કરાવવાની સંમતી આપી. રમેશભાઈ ના પરિવારમાં પત્ની મધુબેન ઉ.વ ૫૨, પુત્ર નેમીશ ઉ.વ. ૨૬ નારોલા જેમ્સમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, બીજો પુત્ર કેનીલ ઉ.વ. ૨૩ ટેક્ષટાઇલ એક્ષપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પુત્રી પાયલ તૃપેશકુમાર વાવડીયા ઉ.વ ૨૯ પરણિત છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદ ની કે.ડી હોસ્પીટલ ને અને એક કિડની બરોડાની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી. મેડિકલ કારણોસર બીજી કિડની નું દાન થઈ શક્યું ન હતું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૪૨ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદ ની કે.ડી હોસ્પીટલમાં ડૉ. અંકુર વાગડીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
કિડની અને લિવર સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે SIMS હોસ્પીટલ થી અમદાવાદ ની કે.ડી હોસ્પીટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ અને ગુજરાતના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યા હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૪૨ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. રમેશભાઈ વલ્લભભાઇ નારોલા ઉ. વ ૫૨ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ પદ્મ શ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.જેમાં રમેશભાઈના પત્ની મધુબેન, પુત્રો નેમીશ અને કેનીલ, પિતરાઇ ભાઈ હર્ષદભાઈ અને હિતેષભાઈ, કાકા ઠાકરસી ભાઈ, જમાઈ તૃપેશકુમાર રાજુભાઇ વાવડીયા, સાળા રવજીભાઇ નવાપરા, વેવાઈ નીતિનભાઈ રજોડીયા, બનેવી રસિકભાઈ તાગડીયા તેમજ પરિવારના અન્ય સભ્યો, મેડિકલ ડિરેક્ટર ડૉ. નરેન્દ્ર ગઢીયા, ન્યુરોફીજીશીયન ડૉ. રાકેશ ભરોડિયા, ઇન્ટેસિવીસ્ટ ડૉ. કૌશલ પટેલ અને મૅડિકલ રજીસ્ટાર ડૉ. ભાર્ગવ ઉમરેટિયા, મેડિકલ એડમિનિસ્ટ્રેટર બિટ્ટી બીજુ જોન, હોસ્પિટલ કો-ઓર્ડિનેટર અશ્રુ પાટિલ, મૅડિકલ રજીસ્ટાર ડૉ. શ્રદ્ધા,
ડૉ. નેહા, ડૉ. પાયલ, ડૉ. યશ, ડૉ. રીંકલ, ડૉ. મોનિકા, નર્સિંગ સ્ટાફ પટેલ ચેલસી, ગુલુપાસા પરધાન, રાજેશ શર્મા, ધર્મા વસાવા તેમજ SIMS હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાલા,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાગપુરના વરિષ્ઠ પ્રચારક પ્રો. રવિન્દ્ર ભુસારીજી, પ્રોગ્રામિંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ અને ભરત ત્રિવેદીનો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૭૫ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૫૨ કિડની, ૨૪૧ લિવર, ૫૭ હૃદય, ૫૬ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૧૧ હાથ, ૧ નાનું આતરડું અને ૪૪૮ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૬૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે


















Recent Comments