ભાવનગર

વન્યજીવ સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાત લીધી

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે ભાવનગર
જિલ્લામાં આવેલ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદરની મુલાકાત લઈ વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન
વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ ઉદ્યાન વિસ્તારમાં સફારી કરી કાળીયાર (બ્લેકબક), વરૂ, ઝરખ, જંગલ કેટ, હેરીયર સહિત વેટલેન્ડ
વિસ્તારમાં આવતા વિવિધ યાયાવર પક્ષીઓ અંગે માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા ઉદ્યાનની જૈવ વૈવિધ્યતા
અને પર્યાવરણ સંરક્ષણ માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વેળાવદર ખાતે નિર્માણાધીન વન વિશ્રામગૃહના બાંધકામની કામગીરીનું
સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, દુર્લભ પ્રજાતિ લેસર ફ્લોરીકનના સંરક્ષણ માટે કાર્યરત બ્રિડિંગ સેન્ટરની મુલાકાત
લઈ ત્યાં ચાલી રહેલી સંવર્ધન પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.
ટુ રિઝમ વિભાગ દ્વારા વેળાવદર વિસ્તારમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોની પણ મંત્રીશ્રીએ ચકાસણી કરી હતી.
ભાલ વિસ્તારમાં થતા વિકાસના કારણે વન્યપ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન (હેબિટેટ) પર થતી સંભવિત અસરો
અંગે વન વિભાગના અધિકારીઓએ મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.
મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ભાવનગરના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈ, વેળાવદર રેન્જ ફોરેસ્ટ
ઓફિસર શ્રી ડી. જી. ગઢવી, વલ્લભીપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બારડ તેમજ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનનો સ્ટાફ
ઉપસ્થિત રહ્યો હતો.

Related Posts