આજરોજ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરેલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પરિસરની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આઈ.ટી.આઈ અમરેલી ખાતે વિશાળ કેમ્પસમાં ફીટર, ઇલેકટ્રીક, વાયરમેન સહિતના વિવિધ ટ્રેડ કોર્ષ શરૂ છે. જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસની મદદથી વિવિધ કૌશલ્યોનો વિકાસ કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓને સ્વરોજગારી મળે તે પ્રકારના વિવિધ ટ્રેડ કોર્ષમાં શિક્ષણ આપવામાં આવે છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આઈ.ટી.આઈ અમરેલી ખાતે સંચાલિત ફીટર, ઇલેકટ્રિશ્યન, કોમ્પ્યુટર લેબ (કોપા)સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસ, શિક્ષણકાર્ય, નિયમિતતા વગેરે બાબતે સહજભાવે સવાલો પૂછ્યા હતા.
આઈ.ટી.આઈ અમરેલી ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રોજગાર કચેરી, આઈ.ટી.આઈ અમરેલીના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીશ્રીએ “મિશન મંગલમ” હેઠળ કાર્યરત સખી મંડળો, જિલ્લા રોજગારી કચેરી હેઠળ આયોજિત રોજગાર મેળા સહિતની સંબંધિત બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી ઉપરાંત જરૂરી દિશાદર્શન – માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ થકી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસને બળ મળી રહ્યું છે. સ્વરોજગારીનું સપનું સાકાર કરતા વિવિધ ટ્રેડ કોર્ષની આજે બજારમાં માંગ છે. ઔદ્યોગિક એકમોમાં જે પ્રકારના કૌશલ્યની જરૂર છે તે પ્રકારે આઈ.ટી.આઈ સંસ્થાઓ ખાતે વિવિધ ટ્રેડ કોર્ષ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, યુવાઓને રોજગારીની વધુમાં વધુ તકો મળે તે માટે સમયાંતરે જિલ્લા રોજગારી કચેરીના માધ્યમથી રોજગાર ભરતી મેળાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે.
જિલ્લામાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તે માટે ગ્રામહાટ શરૂ કરવા, બહેનો જાગૃત્ત થાય, આઈ.ટી.આઈ સંસ્થાઓ ખાતે સંચાલિત વિવિધ ટ્રેડ કોર્ષની જાણકારી અને માર્ગદર્શન યુવાઓને મળી રહે તે માટે જનજાગૃત્તિ સહિતના મુદ્દાઓ પર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત સૌ અદિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આઈ.ટી.આઈ અમરેલી ખાતે મુલાકાત વેળાએ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી શ્રી, આઈ.ટી.આઈ સંસ્થાના આચાર્ય શ્રી તેજલબેન ભટ્ટ અને સંસ્થાના સર્વે સ્ટાફ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments