તા.૨૨ ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષક પરીક્ષા યોજાશે – પરીક્ષાકેન્દ્ર અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધિત કૃત્યો કરવા નહિ
અમરેલી તા.૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ રવિવારના રોજ રાજય વેરા નિરીક્ષક પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન છે. સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રની હદમાં આવેલા જાહેર માર્ગ પર ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું કે વાહન રાખવું નહિ. કમ્પાઉન્ડમાં અનઅધિકૃત્ત પ્રવેશ પ્રતિબંધિત છે.
આ પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગેરરિતીઓ ન થાય તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષા કેન્દ્રોની ચો તરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઇ ફરમાવી છે.
પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ, સ્માર્ટ વૉચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ફેક્સ સહિત કોઇપણ પ્રકારના કોમ્યુનિકેશન સાધનો સાથે પ્રવેશવું નહિ. પરીક્ષા કેન્દ્રની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં ઝેરોક્ષ-કોપી મશીનો સહિતના કોમ્યુનિકેશન સાધનો પરીક્ષા સમય પૂર્વે અને પછી એક કલાક બંધ રાખવા.
પરીક્ષા બિલ્ડિંગ ખાતે કોઈપણ પરીક્ષાર્થી તેમ જ પરીક્ષા સાથે સંકળાયેલ હોય તેવા કર્મચારી તેમના મોબાઈલ લઈ જઈ શકશે નહીં. બિલ્ડિંગના પ્રવેશદ્વારથી જ અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. અનિવાર્ય સંજોગોમાં જ સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે.
પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા-કરાવવામાં સીધી કે આડકતરી મદદ કરવી નહિ. આ હુકમ તા.૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અંતર્ગત શિક્ષાપાત્ર રહેશે.
Recent Comments