ગુજરાત

સુરતમાંપાષાણશિલ્પ અને અન્ય વાર્તાઓ’ લોકાર્પિત

મરાઠી ભાષામાં શ્રીમતી રેખા બૈજલ લિખિત અને ગુજરાતીમાં શ્રી વિજય સેવક અનુદિત પાંચ વાર્તાઓના પુસ્તક- ‘પાષાણશિલ્પ અને અન્ય વાર્તાઓ’નો લોકાર્પણ કાર્યક્રમ (સ્વ.) નાનુભાઈ પ્રેરિત સાહિત્ય સંગમ હૉલ, સુરતમાં યોજવામાં આવ્યો હતો. લોકાર્પણ ‘પરબ’ના સંપાદક શ્રી કિરીટ દૂધાતના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી અને અધ્યક્ષપદે લેખક-પત્રકાર શ્રી રવીન્દ્ર પારેખ હતા. પુસ્તકનું પ્રકાશન સુરતની ‘સાહિત્ય સંગમ’ સંસ્થાએ સંભાળ્યું હતું. 
લોકાર્પણ વિધિ બાદ શ્રી કિરીટ દૂધાતે ગુજરાતી અને અન્ય ભાષાઓના વાર્તાપ્રવાહને સ્પષ્ટ કરી આપી શ્રી વિજય સેવક અનુદિત વાર્તાઓ ગુજરાતીપણાને જાળવતી હોવાનું નોંધ્યું હતું. વધુમાં તેમણે શ્રીમતી રેખા બૈજલની વાર્તાઓનું વિષયવસ્તુ પુરાતનકાળની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી હોવાં છતાં તેમાં રજૂ થયેલા પ્રશ્નો સાંપ્રત સમયના હોવાનું જણાવ્યું હતું. તેમણે ગંભીર વિષયને સરળ ભાષા દ્વારા રજૂ કરવામાં લેખિકા અને અનુવાદક સફળ રહ્યાં હોવાથી તેઓને અભિનંદન પણ આપ્યાં હતાં.
શ્રી હર્ષદ ત્રિવેદીએ પણ ગુજરાતી અને અન્ય ભાષી વાર્તાપ્રવાહનું વિશ્લેષણ કરી ગુજરાતી વાર્તાઓ શ્રી સુરેશ જોશી યુગ પશ્ચાદ એક પ્રવાહને જ્યારે અન્ય ભારતીય ભાષાઓ લેખકના સ્વવિચાર, સંવેદન અને અભિવ્યક્તિને અનુસરતી હોવાનું નોંધ્યું હતું. તેમણે પણ અનુવાદની ભાષા મૂળ ગુજરાતી વાર્તા વાંચતાં હોઈએ તેવી સાહજિક હોવાનો અને એક વાર્તામાં ગુજરાતી ચરોતરી બોલીનો પ્રયોગ ઉપકારક હોવાનું કહી અનુવાદકને અભિનંદન આપ્યાં હતાં. ભવિષ્યમાં અનુવાદક ગુજરાતી વાર્તાઓને પણ અન્ય ભાષાઓમાં લઈ જશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
અનુવાદક શ્રી વિજય સેવકે શ્રીમતી રેખા બૈજલની ‘પાષાણશિલ્પ અને અન્ય વાર્તાઓ’ની પસંદગી કરવાનાં કારણો જણાવી ‘મૃત્યુથી જીવન સુધી’ વાર્તાના અંશનું ભાવવાહી પઠન કર્યું હતું. ભવિષ્યમાં મૌલિક વાર્તાઓ લખવાના અને ગુજરાતી વાર્તાઓના નાટ્યકરણ કરવાના તથા ગુજરાતી સાહિત્યને અન્ય ભાષામાં અનુવાદ કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ અધ્યક્ષ શ્રી રવીન્દ્ર પારેખે વાર્તાલેખનમાં પ્રતિબદ્ધતા અને કળાસૌંદર્યની ચર્ચા કરી પ્રવર્તમાન સમયમાં સત્વશીલ સાહિત્યના અનુવાદ અને તેના પ્રકાશનનું કાર્ય પડકારજનક હોવાનું નોંધી અનુવાદકને તથા પ્રકાશન સંસ્થાના માલિક શ્રી ચિંતન નાયકને અભિનંદન આપી આ કાર્ય સતત ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. 
પુસ્તક (સ્વ.) શ્રી ભગવતીકુમાર શર્મા અને શ્રી હર્ષદ ત્રિવેદીને અર્પણ કરવામાં આવ્યું છે. સર્વ મહાનુભાવોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.

Related Posts