અમરેલી

ધારીમાં ‘દાલબાટી’ના બહાને વિચિત્ર સાયબર ફ્રોડઃ ઝેરોક્ષના વેપારીએ રૂ.૫૧,૦૦૦ ગુમાવ્યા

રાજ્યભરમાં દિન-પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારી ખાતે એક વિચિત્ર મોડસ ઓપરેન્ડી સાથેનો ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ‘પ્રતીક ઝેરોક્ષ’ નામે દુકાન ચલાવતા એક વેપારીએ રૂપિયા ૫૧,૦૦૦ ગુમાવ્યા હતા.
​​ધારીના અમરેલી રોડ પર દાલબાટીની દુકાન ધરાવતા નવલભાઈને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ૯૦ દાલબાટીનો ઓર્ડર આપ્યો અને પેમેન્ટ વિશે પૂછ્યું. નવલભાઈએ રૂ.૯,૦૦૦ પેમેન્ટ જણાવ્યું. ​ત્યારબાદ કોલ કરનારે એડવાન્સ પેમેન્ટ (રૂ.૪,૫૦૦) આપવાની વાત કરી અને એડવાન્સ પેમેન્ટ ‘પ્રતીક ઝેરોક્ષ’ પરથી લઈ લેવા જણાવ્યું હતું. નવલભાઈ કામમાં વ્યસ્ત હોવાથી તેમણે તેમના મિત્ર મયુરભાઈ રબારીને પ્રતીક ઝેરોક્ષમાંથી રૂ.૪,૫૦૦ લેવા મોકલ્યા હતા.
​​મયુરભાઈ તાત્કાલિક પ્રતીક ઝેરોક્ષ દુકાને પહોંચ્યા અને દુકાનના માલિક પ્રતીકભાઈને સીધો ફોન આપ્યો. ફોન પરના વ્યક્તિએ પ્રતીકભાઈને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. પ્રતીકભાઈ, જેઓ ઝેરોક્ષની સાથે મની ટ્રાન્સફરનું પણ કામ કરે છે, તેમને એવું લાગ્યું કે ફોન પર વાત કરાવનાર મયુરભાઈ તેમને બાકીના પૈસા રોકડામાં આપી દેશે.
​આ ભરોસામાં, પ્રતીકભાઈએ પોતાના મોબાઈલમાંથી ફોનમાં વાતચીત થયેલ નંબર પર પ્રથમ રૂ.૨૪,૦૦૦ અને ત્યાર બાદ બીજા રૂ.૨૭,૦૦૦ મળીને કુલ રૂ.૫૧,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. ​​પૈસા ટ્રાન્સફર થયા બાદ કોલ કટ થઈ ગયો હતો. પ્રતીકભાઈએ મયુરભાઈને જણાવ્યું કે તેમણે ટ્રાન્સફર કરેલા રૂ.૫૧,૦૦૦ અને તેમનું કમિશન ચૂકવવું પડશે. આ સાંભળીને મયુરભાઈ ગભરાઈ ગયા અને જણાવ્યું કે તેઓ તો માત્ર રૂ.૪,૫૦૦ લેવા માટે આવ્યા હતા. ​તાત્કાલિક પ્રતીકભાઈને ખ્યાલ આવ્યો કે તેમની સાથે ઓનલાઈન ફ્રોડ થયું છે. તેમણે તુરંત જ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને ધારી પોલીસને પણ આ અંગેની જાણ કરી હતી. ​ધારી પોલીસે આ વિચિત્ર અને જટિલ કેસની તપાસ શરૂ કરી હતી.

Related Posts