ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા નિયમિત રીતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો આ તાલીમ કાર્યક્રમમાં જોડાઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાકેફ થઈ રહ્યા છે. અમરેલીના મોટા આંકડીયા સ્થિત અંજીર ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા આંકડીયા, માલવણ, દહીડા અને પીપળીયા ગામના ૧૫૦ થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું.
રાસાયણિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. પેસ્ટીસાઈડ્સના કારણે વિવિધ ઉત્પાદિત પાકની ગુણવત્તા ઘટી રહી છે સાથે માનવીય આરોગ્ય પરનો ખતરો સતત લધી રહ્યો છે. કેન્સર જેવા અસાધ્ય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે એકમાત્ર ઉપાય એ પ્રાકૃતિક કૃષિ જ છે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને અંજીર ફાર્મ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે પ્રાકૃતિક કૃષિના પાયાના તત્વો જેમ કે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ સહિતના વિવિધ આયામો વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતોએ અંજીરની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતુ. આ અવસરે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી રાહુલભાઈ શેખવા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ ઝીડ, માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે.

















Recent Comments