ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે 20 વર્ષથી ફરાર એક આરોપીને મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલો આ આરોપી વર્ષોથી પોલીસને ચકમો આપીને અલગ-અલગ સ્થળોએ રહેતો હતો.
માહિતી મુજબ, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં આરોપી ગીરીશ રાધેશ્યામ સહાની (રહે. 207–208, કલાર્ક ટાઉન, જયક્રાંતિ એપાર્ટમેન્ટ, કડબી ચોક, નાગપુર, મહારાષ્ટ્ર) વિરુદ્ધ વર્ષો પહેલા ગુનો નોંધાયો હતો. તે બાદથી આરોપી ફરાર હતો અને પોલીસે અનેક વખત શોધખોળ કરી હોવા છતાં તેની કોઈ હિલચાલ મળી ન હતી.
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે નાગપુર પહોંચીને ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી ગીરીશ સહાનીને તેની રહેઠાણ જગ્યાએથી ઝડપી લીધો હતો. ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ લાવવામાં આવ્યો હતો અને બાદમાં એ ડિવિઝન પોલીસને સોપાયો હતો.
આરોપી પર છેતરપિંડીના ગુનામાં આર્થિક લાભ મેળવવા માટે કાગળપત્રોમાં ગેરરીતિ અને ઠગાઈના ગંભીર આરોપો છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા બે દાયકાથી આરોપી નકલી ઓળખ અને સરનામા વડે પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી વર્ષોથી બાકી રહેલો જુનો ગુનો ઉકેલાઈ ગયો છે. પોલીસ દ્વારા હવે આરોપીની પૂછપરછ કરીને અન્ય સહયોગીઓ વિશે પણ માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.


















Recent Comments