અમરેલી

સાવરકુંડલા તાલુકાની ચરખડિયા પ્રાથમિક શાળામાં “આકાશ દર્શન કાર્યક્રમ” નું સફળ આયોજન 

શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહે, પરંતુ અનુભવથી સમજાય ત્યારે જ સાચું જ્ઞાન વિકસે છે. એવો જ એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ સાવરકુંડલા તાલુકાની શ્રી ચરખડિયા પ્રાથમિક શાળામાં જોવા મળ્યો. શાળાના ગણિત–વિજ્ઞાન શિક્ષક શ્રી ગુલાબબા વાળાના ઉત્કૃષ્ટ આયોજન અને સંકલનથી શાળામાં “આકાશ દર્શન કાર્યક્રમ” નું સફળ આયોજન કરવામાં આવ્યું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ની ચરખડિયા પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ખગોળીય વિજ્ઞાન નો જીવંત અનુભવ મળ્યો. કાર્યક્રમમાં ડેડકડી શાળાના પૂર્વ શિક્ષક અને હાલ પાદરગઢ પ્રાથમિક શાળામાં સેવા આપતા સમાબેન બ્લોચ તથા સમીરભાઈ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા. આકાશ દર્શન કાર્યક્રમ દરમિયાન આધુનિક ટેલિસ્કોપની મદદથી વિદ્યાર્થીઓને ચંદ્ર દર્શન કરાવવામાં આવ્યું. સાથે સાથે તારામંડળ, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કા જેવા ખગોળીય વિષયો વિશે સરળ અને રસપ્રદ ભાષામાં માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ પ્રથમવાર ટેલિસ્કોપ દ્વારા ચંદ્રને નજીકથી નિહાળ્યો, જેના કારણે તેમના ચહેરા પર ઉત્સાહ અને અજાયબી સ્પષ્ટ જોવા મળી. સમાબેન બ્લોચ અને સમીરભાઈ એ ખગોળીય વિજ્ઞાનનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આકાશના અભ્યાસથી વિચારશક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની ભાવના વિકસે છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે કદમ મિલાવી શકે છે, તે વાતને આ કાર્યક્રમ દ્વારા સાબિત કરી બતાવી. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી આર સી કો-ઓર્ડીનેટર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, શાળાના આચાર્ય જીગ્નેશભાઈ વ્યાસ, તમામ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ની ખાસ ઉપસ્થિતિ રહી. સૌએ આ પહેલને બિરદાવતાં કહ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. શાળાના ગણિત–વિજ્ઞાન શિક્ષક ગુલાબબા વાળા એ શાળા સમય બાદ પણ સમયદાન કરી, સંકલન કરી અને નિષ્ઠાપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવ્યો. સમાબેન અને સમીરભાઈના માનવીય અભિગમ સાથેના આ પ્રયાસોએ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અનુભવજન્ય ખગોળીય જ્ઞાન આપીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓને ચરિતાર્થ કર્યા. નિષ્ઠા, નવીનતા અને સમર્પણથી શિક્ષણને જીવંત બનાવ્યું. આ આકાશ દર્શન કાર્યક્રમ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts