વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલા તથા ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક દંત ચિકિત્સા શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકહિત ના આયોજનમાં રાજકોટના જાણીતા દંત ચિકિત્સક વૈદ્ય ડૉ. જયસુખભાઈ મકવાણાએ તેમની નિષ્ઠાપૂર્વક અને સલાહમય સેવાઓ આપી હતી. શિબિરમાં દાંતના રોગો ની નિદાન તપાસ, જરૂરી સારવાર તથા “જાલંધર બંધ” પદ્ધતિ દ્વારા દુખાવા વિહીન દાંત કાઢવાની સેવા ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ આરોગ્ય યજ્ઞમાં કુલ ૭૯ દર્દીનારાયણોએ લાભ લેવો અને તેમામાંથી ૨૯ જરૂરિયાતમંદ વૃદ્ધ દર્દીનારાયણોને તદ્દન નિઃશુલ્ક બત્રીસી વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપક્રમે તેઓને દૈનિક જીવનમાં આરોગ્ય અને આત્મવિશ્વાસ ની નવી ભેટ આપી છે.આ સમગ્ર સેવા કાર્ય આરોગ્ય મંદિર ના સુપ્રિટેન્ડન્ટ ડૉ. પ્રકાશભાઈ કટારિયા ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયા હતા. સાથે જ અમિતભાઈ જોષી, અશોકભાઈ ડાભી તથા આરોગ્ય મંદિર પરિવારના તમામ સભ્યોએ આત્મીયતા અને સેવા ભાવે ઉત્તમ આયોજન અને કાર્ય સંચાલન કર્યું હતું. આ આરોગ્ય શિબિર દ્વારા દંત ચિકિત્સા ના ક્ષેત્રે નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સારવાર પ્રાપ્ત થતાં દર્દીનારાયણોએ નવજીવન જેવી લાગણી અનુભવી.અંતે, આરોગ્ય મંદિર દ્વારા આવા સેવાયજ્ઞ સતત આયોજિત થતા રહેશે અને “સેવા પરમો ધર્મઃ”ના પવિત્ર સંકલ્પને હકારાત્મક બળ મળતું રહેશે તેવી સૌએ અભિલાષા વ્યક્ત કરી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
નિઃશુલ્ક દંત ચિકિત્સા શિબિર તથા બત્રીસી વિતરણનું સફળ આયોજન, સાવરકુંડલા ના આરોગ્ય મંદિરે દર્દીનારાયણોને તંદુરસ્ત દાંત અને સ્મિત ની ભેટ આપી

Recent Comments