અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વ માટી દિન’ નિમિત્તે રાષ્ટ્રીય પરિષદનું સફળ આયોજન

ગત તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ‘વિશ્વ માટી દિવસ’ નિમિત્તે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), અમરેલી સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા ભૂમિ સુપોષણ  વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ (નેશનલ કોન્ફરન્સ)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વર્ચુઅલ રીતે આયોજિત આ પરિષદમાં દેશભરમાંથી કૂલ ૧,૯૮૧ કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ અનોખી પહેલમાં ભાગ લીધો હતો.

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહી સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, વિશ્વ માટી દિવસની ઉજવણી જમીનના સ્વાસ્થ્ય અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ભૂમિ સુપોષણ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ રામબાણ ઇલાજ છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોનો ખર્ચ ઘટે છે. તેમણે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલા સંશોધન કાર્યોની સરાહના કરી હતી.

નેશનલ કોન્ફરન્સની શરૂઆતમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રિન્સિપાલ ડો. એસ. પી. દેશમુખએ સ્વાગત પ્રવચન કરીને કોન્ફરન્સના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો અને સમગ્ર પરિષદની રૂપરેખા રજૂ કરી હતી. આ ઉપરાંત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીએ કહ્યું કે, આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી દ્વારા ભૂમિના સ્વાસ્થ્યને પુનર્જીવિત કરવાનો છે અને આ પરિષદ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ઉપરાંત કોન્ફરન્સમાં મુખ્ય વિષયો જેવા કે પ્રાકૃતિક ખેતીમાં ભૂમિ સુપોષણની ભૂમિકા, દેશી ગાય આધારિત ખેતી દ્વારા જમીનના કાર્બનનું સંવર્ધન, જમીનના સૂક્ષ્મ જીવોનું મહત્વ, રાસાયણિક ખેતીથી જમીન પર થતી આડઅસરો પર વૈજ્ઞાનિક પત્રો અને સંશોધન તારણો રજૂ

કરવામાં આવ્યા હતા. જેમાં પ્રો. (ડો.) બલજીત સહારન સહિત અન્ય મહાનુભાવોએ ઓનલાઈન

પ્લેટફોર્મ પરથી ભૂમિ સુપોષણ અને માટી સંરક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પડકારો અને ભવિષ્યની દિશા અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. અને પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉપાય છે તેમ સૂચવ્યું હતું.

આ કોન્ફરન્સમાં રજૂ થયેલા સંશોધનો અને ચર્ચાઓ ભૂમિ સુપોષણ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવામાં મદદરૂપ થશે. કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ નેશનલ કોન્ફરન્સના ભાગરૂપે, યુવાનોમાં જમીન સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના કૂલ ૧૨ રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભૂમિ સુપોષણ અંગે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીએ આ પરિષદને વધુ સફળ અને યુવા લક્ષી બનાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન માન. કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts