અમરેલી

અમરેલી સ્થિત બી.એ.પી.એસ ગાંધીબાગ ખાતે ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ-વેઇટ લોસ મેરેથોન’ કેમ્પની સફળ શરૂઆત

મેદસ્વિતા હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ, કેન્સર વગેરે ગંભીર બીમારીઓને નોતરે છે, ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસનની સાથે પ્રાણાયામ ખૂબ અસરકારક છે.

અમરેલી સ્થિત બી.એ.પી.એસ ગાંધીબાગ ખાતે ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ-વેઇટ લોસ મેરેથોન’ કેમ્પની સફળ શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નિયમિત સવારે ૬ વાગ્યાથી લઈને ૮ વાગ્યા સુધી “મેદસ્વિતા મુક્તિ કેમ્પ-વેઇટ લોસ મેરેથોન” અંતર્ગત વિવિધ યોગાભ્યાસ, પ્રાણાયામનું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત “મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ”માં સહભાગી બનવા ૮૦થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. અમરેલી ખાતે નિ:શુલ્ક યોગ વર્ગ શરૂ છે જેમાં ૧ હજારથી વધુ લોકો નિયમિત રીતે યોગાભ્યાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં તા. ૧૬ ઓકટોબર-૨૦૨૫ સુધી મેદસ્વિતા દુર કરવા માટે ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ “મેદસ્વિતા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પનો હેતુ લોકોએ યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવી ?  તે વિષયક યોગ આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત યોગા સેશનનું પણ આયોજન કરવામાં આવશે.

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે અમરેલી સ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટરશ્રી સાગર મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts