સુરતમાં પાલિકાનું ગંદા પાણીનું કૌભાંડમાં કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરેવામાં આવ્યો
હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું. સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓની ભુંડી ભુમિકા બહાર આવી હતી. પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર પહોંચતા પગલાં ભરવાનું શરુ કરવામાં આવ્યું છે. હજીરાના ઉદ્યોગને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક ઈજનેરને મોડી રાતે સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં સોપો પડી ગયો છે. કૌભાંડ બહાર આવ્યા બાદ ડી ગ્રેડ કર્યા અને ખાતા આંચકી લેવાયા હતા.
ત્યારબાદ આજે મોડી સાંજે મહત્વનો અને ચોંકાવનારા પગલાં ભરવામાં આવ્યા છે. હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાએ સમગ્ર કિસ્સામાં વિજીલન્સ તપાસની માગણી કરી હતી. આ કિસ્સામાં રાજ્ય સરકારની વિજીલીન્સ દ્વારા તલસ્પર્શી તપાસ કરીને દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગણી કર્યા બાદ આજે મોડી રાત્રે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કર્યા છે. કેતન દેસાઈ કાર્યપાલક ઈજનેર હોવાથી આ દરખાસ્ત આજે વધારાના કામ તરીકે સ્થાયી સમિતિમાં રજુ થાય તેવી શક્યતા છે. સુરત પાલિકામાં કાર્યપાલક ઈજનેર બન્યા બાદ તેમનો વિકાસ ઘણો જ ઝડપી થયો હતો. તેઓને થોડા જ સમયમાં ઈનચાર્જ ડેપ્યુટી કમિશનરનો ચાર્જ સોંપી દેવાયો હતો.
ત્યારબાદ ડેપ્યુટી કમિશનર નિમણુંક થતા ઈન્ચાર્જ એડીશનલ સીટી ઈજનેર પણ બની ગયા હતા. આ સાથે તેમને પાલિકાના તમામ મહત્વના અને મલાઈદાર ખાતાની જવાબદારી પણ આપી દેવામાં આવી હતી. દરમિયાન હજીરાના ઉદ્યોગોને ઔદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટેડ પાણી વેચવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી. આ માટે દોઢ વર્ષ પહેલા સૈધાંતિક ર્નિણય થયો હતો અને ત્યારે જ એવી શરત રાખવામાં આવી હતી કે હજીરાના ઉદ્યોગ સાથે એમ.ઓ.યુ કરવામાં આવે અને એમ.ઓ.યુ થાય ત્યાર બાદ જ ટેન્ડર ખોલવામાં આવે તેવી સૂચના સ્પષ્ટ લખવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે પાલિકાની સ્પષ્ટ સૂચના છતાં એમ.ઓ.યુ કરવામાં આવ્યા ન હતા. અને પ્રોજે્કટની કિંમત અનેકગણી વધી ગઈ હતી. આખું કૌભાંડ ખુલી જતા મ્યુનિ. કમિશ્નરે કેતન દેસાઈને ડી ગ્રેડ કરીને ઈનચાર્જ એડીશન સીટી ઈજનેરમાંથી પાછા કાર્યપાલક ઈજનેર બનાવી દીધા હતા. ત્યારબાદ ફાઈલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો અને સુરત-કતારગામના ધારાસભ્યએ રાજ્ય સરકારના વિજીલન્સની તપાસની માગણી કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આજે મોડી રાત્રે કેતન દેસાઈને સસ્પેન્ડેડ કરવાનો ઓર્ડર થતાં ઉદ્યોગોના ઈશારે કામ કરતા અધિકારીની હાલત કફોડી થઈ છે અને પાલિકામાં સોપો પડી ગયો છે. આ દરખાસ્ત આજની સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે.
Recent Comments