ગુજરાતમાં વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ના શંકાસ્પદ મોતના સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને ચૂંટણી સંબંધિત કામગીરી (SIR)માં BLO તરીકે નિમાયેલા એક મહિલા અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે તેમના પરિવારમાં અને વહીવટી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતક મહિલા અધિકારીનું નામ ડિન્કલબેન શીંગોડાવાળા હોવાનું સામે આવ્યું છે. તેઓ મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને સુરત શહેરના શાહપોર બૂથના BLO તરીકે કામગીરી કરતા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુઃખદ ઘટના ઓલપાડના માસમા ખાતે બની હતી. ડિન્કલબેન શીંગોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટના અંગે સુરત ઉત્તરના પ્રાંત અધિકારી અને સુરત ઇસ્ટના ERO નેહાબેને માહિતી આપી હતી કે, ડિન્કલબેન 26 વર્ષના હતા અને તેમનું BLO તરીકેનું કામ ઘણું સારું હતું, તેમણે પોતાનું 45 ટકા કામ પૂર્ણ કરી દીધું હતું.મહિલા અધિકારીના આકસ્મિક મોતના કારણે અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ‘બાથરૂમમાં ગેસ ગીઝર હતું અને વેન્ટિલેશન પણ ન હતું. તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ જતાં આ ઘટના બની હતી. તેમને હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા’.શું ચૂંટણીલક્ષી કામગીરી (SIR)ના કામના ભારણને કારણે આ ઘટના બની? કે પછી ગેસ ગીઝરમાંથી લીક થયેલા ઝેરી ગેસના કારણે આ આકસ્મિક મોત થયું? પોલીસ અને સંબંધિત વિભાગ માટે મહિલા અધિકારીના મોતનું ચોક્કસ કારણ શોધવું હવે તપાસનો વિષય બન્યો છે.


















Recent Comments