ગુજરાત

કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન ધડાકાભેર તૂટી પડ્યું, સુરક્ષા એજન્સી દ્વારા કાટમાળ એકત્રિત કરી તપાસ શરૂ કરી

ગુજરાતના કચ્છમાં ખાવડા નજીક કોટડા ગામે શંકાસ્પદ ડ્રોન ક્રેશ થયુ છે. જેમાં હાઈટેન્શન લાઈન સાથે ડ્રોન અથડાયું હતુ. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે સવારે એક ભેદી ડ્રોન હાઇ ટેન્શન વીજ લાઇન સાથે ટકરાઈને તૂટી પડ્યું છે. ઘટના અંગે જાણકારી મળતાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ, ઇન્ડિયન એરફોર્સ, પોલીસ સહિતની એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારતીય વાયુ સેનાએ તૂટી પડેલાં પાર્ટસનો કબજો મેળવીને તપાસ શરુ કરી છે.

આ ડ્રોન ભારતનું છે કે પાકિસ્તાનનું? વીજ લાઇન સાથે અકસ્માતે ટકરાઈને તૂટી પડ્યું કે તેને તોડી પડાયું? સહિતના મુદ્દે જવાબદાર સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ જ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. જે સ્થળેથી આ ડ્રોન મળ્યું, તે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક છે. હાલ સરહદે સુરક્ષા એજન્સીઓ હાઇ ઍલર્ટ પર છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.

Related Posts