અમરેલી

SVEEP અને TIP અંતર્ગત અમરેલીના બાબાપુર ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા

 સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલીના બાબાપુર સ્થિત સર્વોદય સંસ્થા ખાતે ખર્ચ અને TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયો હતો.

          અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કેટલાક બુથ પર મહિલા મતદારોનું મતદાન ઓછું હતું. કેટલાક બુથ પર ૫૦ ટકાથી ઓછું મતદાન હતું ત્યારે આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક બુથ પર મહિલા અને પુરુષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર વધુમાં વધુ વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

તેમ્ણે ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓ મતદાર જાગૃત્તિ કાર્યક્રમના એમ્બેસેડર બની સો ટકા મતદાન થાય તે માટે જાગૃત્તિ પ્રસરાવે. પોતાના પરિવાર ખાસ કરીને પરિવારના મહિલાઓ પણ અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે. જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તે ફોર્મ નં. ૦૬ ભરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે.

          તેમણે વધુમાં જણાવ્યુ કે, મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે પાણી, ઓ.આર.એસ.નો જથ્થો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે. જે વરિષ્ઠ મતદારોની ઉંમર ૮૫ વર્ષથી વધુ છે તેમના માટે ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા પણ મતદાન થઈ શકે તે માટે પ્રક્રિયાઓ પણ ચૂંટણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

મતદાન જાગૃત્તિ અંગે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મોનું નિદર્શન પણ આ કાર્યક્રમમાં  કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને યુવા મતદારોએ મતદાન માટેના શપથ  લીધા હત. આ તકે મતદાન જાગૃત્તિ સિગ્નેચર કેમ્પેઈન પણ યોજાયું હતું

       કાર્યક્રમના પ્રારંભે સંસ્થાની પી.ટી.સી. કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓએ મતદાન જાગૃત્તિનું મહત્વ સમજાવતી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક,  અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી, સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ, યુવા મતદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts