ગુજરાત

SVP હોસ્પિટલના તોતિંગ ચાર્જના કારણે દર્દીઓ દાખલ થતાં નથી, 800 કરોડની હોસ્પિટલમાં,માત્ર કાગડા ઉડે છે, માત્ર ઈમરજન્સીમાં ગણ્યાગાંઠ્યા દર્દીઓની સારવાર : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

SVP હોસ્પિટલના સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં તોતિંગ વધારો કરી દેવાયો છે, જે અંગે આકરી પ્રતિક્રિયા આપતાં દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવે છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા ચૂપચાપ SVP હોસ્પિટલના સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં તોતિંગ વધારો કરી દેવાયો છે, જેના કારણે માત્રને માત્ર પૈસાદાર લોકો કે વીવીઆઈપી લોકો એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ) દ્વારા તાજેતરમાં SVP હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ માટે ડિપોઝીટની રકમમાં વધારો કરી દેવાયો છે. દર્દીઓ ગમે તે બીમારીના ઈલાજ માટે દાખલ થાય તે પહેલાં તેઓએ રૂ. 5,000થી લઈ 20,000ની ડિપોઝીટ જમા કરાવવી પડશે પછી જ સારવાર શરૂ થશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે SVP હોસ્પિટલના દરવાજા બંધ કરી દીધા છે.

SVP હોસ્પિટલમાં દોઢ વર્ષથી રાજ્ય સરકારની મા અમૃતમ્ અને મા વાત્સલ્ય સહિતની યોજનાઓ બંધ છે. આ હોસ્પિટલમાં ગરીબ કે મધ્યમ વર્ગના દર્દીઓ કાર્ડ લઈ જાય તો લાભ અપાતો નથી. SVP હોસ્પિટલના તોતિંગ ચાર્જના કારણે દર્દીઓ દાખલ થતાં નથી. રૂ. 800 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલમાં માત્ર કાગડા ઉડે છે, માત્ર ઈમરજન્સીમાં ગણ્યાગાંઠ્યા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.


ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએગરીબો માટે અમૃત સમાન વી. એસ. હોસ્પિટલને મૃતઃપાય કરવાનું પાપ કર્યું છે, વીએસ હોસ્પિટલની જમીનમાં રૂ. 800 કરોડના ખર્ચે એસવીપી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલ અમદાવાદના નાગરિકોના પરસેવાની કમાણીથી ઉભી થઇ છે છતાં આખી હોસ્પિટલ માત્રને માત્ર વીવીઆઈપી માટે જ હોય તે પ્રકારે તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસવીપી હોસ્પિટલમાં કોઈ દર્દી આવે તો પહેલા રજિસ્ટ્રેશનના રૂ. 50 ભરવા પડે છે, પછી રૂ. 5,000થી 20,000ની ડિપોઝીટ ભરાય તો જ દર્દીની સારવાર શરૂ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ તાજેતરમાં એસવીપી હોસ્પિટલના ચાર્જ વધારી દીધા છે.


મેડિકલ ઓફિસરનો ચાર્જ રૂ. 150થી વધારી 300 કરી દેવાયો છે. જનરલ આઇસીયુનો ચાર્જ રૂ. 2,000 અને અન્ય આઇસીયુનો ચાર્જ રૂ. 3,000 નક્કી કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એકઝીક્યુટીવ વોર્ડના ભાવ વધાર્યા છે જેમાં કાર્ડિયોલોજીમાં રૂ. 100થી 2,000 નક્કી કરાયા છે, રેડીયોલોજીમાં રૂ. 300થી 20,000નો દર, ઓપરેશનના રૂ. 6થી 36 હજાર અને રૂમનો ચાર્જ રૂ. 2થી 5 હજાર નક્કી કરાયો છે. જ્યારે જનરલ વોર્ડના ભાવ વધાર્યા છે જેમાં કાર્ડિયોલોજીમાં રૂ. 50થી 500 નક્કી કરાયા છે, રેડીયોલોજીમાં રૂ. 150થી 5,000નો દર,
ઓપરેશનના રૂ. 3થી 9 હજાર અને રૂમનો ચાર્જ રૂ. 400થી 3,૦૦૦ નક્કી કરાયો છે. આ ભાવ વધારો પ્રજા માટે અસહ્ય છે. અસહ્ય ભાવવધારો કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજા સાથે દ્રોહ કરવામાં આવ્યો છે.


શેખે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારી વખતે ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાંટમાંથી 250 વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ 200થી વધુ વેન્ટિલેટર AMCને આપ્યા છે. હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં વેન્ટિલેટરનો ચાર્જ વધારીને રૂ. 2,000 કરવામાં આવ્યો છે. જ્યારે એસવીપી સિવાયની એલજી હોસ્પિટલ,
શારદાબહેન હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલ જેવી અન્ય કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો ચાર્જ 1500 રૂપિયા છે, ત્યારે SVP હોસ્પિટલમાં વેન્ટિલેટરનો ચાર્જ રૂ. 2,000 કેમ ? સૌથી મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન મેટના ઓઠા હેઠળ મનફાવે તેમ એસવીપી હોસ્પિટલના ચાર્જ વધારે છે, તે માટે સ્ટેન્ડીંગ કમિટી કે બોર્ડની મંજૂરી પણ લેવાતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો SVP હોસ્પિટલનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહ્યા છે, પહેલાં હોસ્પિટલના ચાર્જ ઉંચા કરશે પછી આખી હોસ્પિટલ કોઈ કોર્પોરેટ હાઉસને આપી દેશે. SVP હોસ્પિટલના સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં કરાયેલ વધારો તાકીદે રદ્દ કરવા શ્રી ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી.

Related Posts