ગુજરાત

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પોસ્ટ વિભાગ દ્વારા પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે પોસ્ટ કર્મચારીઓને અપાવી સ્વચ્છતાની શપથ

ભારત સરકારના “સ્વચ્છ ભારત મિશન” હેઠળ, પોસ્ટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા” 2025 અભિયાન શરૂ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક   કાર્યાલય ખાતે “મેઘદૂતમ” હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને “સ્વચ્છતા પ્રતિજ્ઞા” આપવી. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતા પ્રત્યે સતર્ક રહેવાની પ્રતિજ્ઞા લેવાઈ. દરેક વર્ષમાં 100 કલાક, એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાને અમલમાં મૂકવાનો સંકલ્પ કરવામાં આવ્યો. પોસ્ટ કર્મચારીઓએ પણ ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ લીધો, સૌ પ્રથમ પોતાનાથી, પોતાના પરિવારથી, પડોશથી, ગામથી અને કાર્યસ્થળથી શરૂઆત કરવાનો સંકલ્પ લીધો. આ અવસરે, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષ વાવીને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ પણ આપ્યો.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, તેથી આપણા ઘરો અને ઓફિસ પરિસરને સ્વચ્છ રાખવા અને લોકોને તેના વિશે જાગૃત કરવા એ આપણી સામૂહિક જવાબદારી છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા વર્ષ 2025 માટેના આ અભિયાનનો વિષય ‘સ્વચ્છતા હી સેવા’ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી યાદવે માહિતી આપી કે ‘સ્વચ્છતા હી સેવા’ 2025 પખવાડિયા દરમિયાન, દરરોજ પ્રવૃત્તિઓનું આયોજન કરીને મોટા પાયે ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. આમાં, વિવિધ પોસ્ટલ મંડળ માં પ્રભાતફેરી અથવા રેલી, ‘એક પેડ મા કે નામ’ના સૂત્ર હેઠળ વૃક્ષારોપણ, સ્વચ્છતા સંદેશ સાથે પત્રો પર વિશેષ વીરૂપણ, સ્વચ્છતા સેમિનાર, પોસ્ટ ઓફિસ, વસાહતોમાં સ્વચ્છતા અભિયાન, નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ તેમજ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળોએ શ્રમદાન વગેરે જેવા વિવિધ કાર્યક્રમો જાગૃતિ માટે યોજાશે.

સહાયક નિદેશક શ્રી વારિસ વહોરાએ જણાવ્યું કે 25 સપ્ટેમ્બરના રોજ “એક દિવસ, એક કલાક, એક સાથે” ના સૂત્ર સાથે રાષ્ટ્રીય સ્તરનો સ્વયંસેવક પ્રયાસ યોજવામાં આવશે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ બધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, સહાયક અધિક્ષક શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, સહાયક હિસાબી અધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગવા, પોસ્ટલ ઇન્સ્પેક્ટર શ્રીમતી પાયલ પટેલ સહિત તમામ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related Posts