અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આંબરડી માઘ્યમિક શાળા ખાતે “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” કાર્યક્રમ યોજાયો

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકાની આંબરડી માઘ્યમિક શાળા ખાતે “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતા થકી સ્વ અને રાષ્ટ્રની ઉન્નતિના વિવિધ પાસાઓ અંગે જાગૃત કર્યા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વાવલંબન જીવન અંગેના વિચારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદી વખતે દેશના યુવાનો સંસ્કૃતિ અને વિરાસતને બચાવીને સ્વાવલંબી બને તે માટે વર્ષ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ગુજરાતના યુવાઓ કૌશલ્ય વિકસાવીને દેશનું મજબૂત નેતૃત્વ કરી શકે તે માટે ગાંધીજીએ આત્મનિર્ભરતાનો વિચાર આપણને સૌને આપ્યો હતો. સ્વદેશીની પ્રબળ ભાવના સાથે દરેક વ્યક્તિને પોતાની વેશભૂષા, ભાષા અને સંસ્કૃતિના ગૌરવ સાથે જીવન જીવવું જોઈએ. અન્ય પર આધારિત રહ્યા વિના સ્વાવલંબી બનીને આત્મગૌરવ અને આત્મનિર્ભરતા સાથે આગળ વધવું જોઈએ. ગાંધીજીના આ મિશનને આગળ વધારતા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” યોજાઈ રહી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશ આત્મનિર્ભર ભારતની નેમ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું મજબૂત નેતૃત્વ કરીને દેશની ગરિમા અને ગૌરવને વિશ્વસ્તર સુધી પહોંચાડી છે. આપણા સૌની પણ ફરજ છે કે આપણી આસપાસ રહેતા લોકો સુધી  આત્મનિર્ભરતાનો વિચાર પહોંચાડવો જોઈએ.

નાગરિકો અને વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુ ખરીદવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આપણા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદેશી વસ્તુ ખરીદવાથી આપણું હૂંડિયામણ વિદેશમાં જતું રહે છે, ત્યારે ભારતને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે સ્વદેશી વસ્તુઓનો જ વપરાશ કરવો જોઈએ.

રાજ્યપાલશ્રીએ “રાષ્ટ્રીય બાળ દિવસ” ઉપર વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર ઘડતર વિશે અમૂલ્ય માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થી જીવનકાળમાં ખેલકૂદ, વ્યાયામ, યોગ, શારીરિક બળ, ઇન્દ્રિયો પર સંયમ, મન પર નિયંત્રણ રાખીને પોતાના જીવનને સકારાત્મક આકાર આપવો જોઈએ. શિક્ષકશ્રીઓને અક્ષર જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને માતા-પિતા પ્રત્યેની જવાબદારી, સામાજિક રીત રિવાજો, દેશ પ્રત્યે સાચો નાગરિક ધર્મ નિભાવવાની પણ સમજણ આપવા જણાવાયું હતું. તેમજ વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચવાની પ્રેરણા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ યાત્રા હેઠળ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકોના ઘરે જઈને સ્વાવલંબી બનવાનો અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો અનુરોધ કરશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી વિક્લ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, આચાર્ય શ્રી મુકેશ માલવિયા, સહકારી અગ્રણી શ્રી દીપક માલાણી, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ,નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts