ભાવનગર

ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુજબ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય રહ્યાનું જણાવ્યું. અહીંયા સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં સહયોગીઓની ભાવવંદના કરવામાં આવી.

ગોહિલવાડના ગૌરવરૂપ સમગ્ર ગુજરાતમાં વિનામુલ્યે નિદાન સારવાર અને ભોજન આપી રહેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં આ મહોત્સવ કાર્યક્રમમાં ગુરુવંદના પૂજન તથા દીપ પ્રાગટ્ય સાથે સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં સહયોગીઓની એટલે દાનવીરો, કર્મવીરો તેમજ ધર્મવીરોની ભાવવંદના કરવામાં આવી.

ટીંબીમાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ અને દાતા અગ્રણી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ અહીંયા કાર્યકર્તાઓ અને તબીબોના પ્રતાપે આપેલા દાન ઊગ્યાં હોવાનું જણાવી ગીતાના શ્રી કૃષ્ણના સંદેશ મુજબ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય રહ્યાનું જણાવ્યું.

સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજીએ આ મકરસંક્રાંતિ પર્વ અને દાનના મહિમા સાથે આ સંસ્થા માટે સહયોગીઓની ભાવના બિરદાવી અને દાન કર્મ, ફળ સુખ, સેવા મોક્ષ વગેરે ઉલ્લેખ કર્યો.

સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ ગુરુદેવની આ સેવા સ્મૃતિમાં સહયોગીઓ તન, મન અને ધનના પવિત્રકાર્ય અંગે વાત કરી.

સંસ્થાના અગ્રણી શ્રી બાબુભાઈ (બી.એલ.) રાજપરાએ અહીંયા આરોગ્ય સારવાર સેવા અંગે આંકડાકીય વિગતો આપી. તેઓએ દવાખાના સાથે અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ આરોગ્ય પૂરક અન્ય ઉપક્રમોની માહિતી આપી.

શ્રી પરેશભાઈ ડોડિયાએ આ સંસ્થાના આગામી આયોજનોનો ઉલ્લેખ અને સહયોગ જરૂરિયાત વિગત જણાવી.

પ્રારંભે શ્રી જગદીશભાઈ ભીંગરાડિયાએ સ્વાગત ઉદ્બોધન સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજના તપના પરિણામે દાતા સહયોગીઓ દ્વારા સુંદર સેવા કાર્ય થઈ રહ્યાનું જણાવ્યું.

તબીબ દાતા અને સંસ્થાના અગ્રણી શ્રી નટુભાઈ રાજપરાએ અહીંયા વિવિધ સહયોગીઓ સાથે આરોગ્યલક્ષી અભિયાન ઉપક્રમો વિશે જણાવ્યું.

દાતા સહયોગીઓ શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી મથુરભાઈ સવાણી, શ્રી વિપુલભાઈ પારેખ, વલ્લભભાઈ પટેલ, તુલસીભાઈ ગોટી, શ્રી માવજીભાઈ સવાણી, શ્રી ધનસુખભાઈ દેવાણી તથા શ્રી કાનજીભાઈ દેવાણી, સ્વર્ગસ્થ શ્રી જીવાાભાઈ ડોંડા વગેરે સાથે તેઓ અથવા પ્રતિનિધિઓની ભાવવંદના કરવામાં આવી. અહીંયા કરોડો રૂપિયાના દાન આપનાર મોટી સંખ્યામાં સહયોગીઓનું અભિવાદન થયું.

આ મહોત્સવ પ્રસંગે અગ્રણીઓ શ્રી કેશુભાઈ ગોટી, શ્રી ભરતભાઈ શાહ, શ્રી જીવરાજભાઈ સુરાણી સહિત મહાનુભાવોએ પોતાની લાગણી સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સમારોહ સાથે જ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયાં હતાં. સંચાલનમાં શ્રી હરેશભાઈ મણિયા રહ્યા હતાં. આભાર વિધિ શ્રી તુષારભાઈ વિરડિયાએ કરી હતી. અહીંયા સુંદર ભક્તિ ગાન શ્રી વત્સલભાઈ પટેલ અને સંગીત વૃંદ દ્વારા પ્રસ્તુત થયેલ.

આ સમારોહમાં સામાજિક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ દાતાઓ દ્વારા મોટી સખાવતો પણ જાહેર કરવામાં આવી.

Related Posts