મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજે આ કાર્યક્રમ પૂ.મોરારીબાપુના સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાઈ ગયો. સમારોહમાં સ્વાગત તા.શિ.સંઘ પ્રમુખશ્રી મનુભાઈ શિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સંઘના મહામંત્રી જૈમીનભાઇ પટેલે આ એવોર્ડથી શિક્ષકોની જવાબદારી વધે છે તેના પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા એ કહ્યું કે પૂ.બાપુની ગાંધીનગર ખાતે કથા થઈ પછી હવે શિક્ષક સંઘના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય છે. બાપુની અપીલને સ્વીકારીને આપણે સમગ્ર રાજ્યમાં શિક્ષકો પોતે દાતા બનીને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અને રામાયણ અર્પણ કરે તેવી અપીલ કરીએ છીએ.બધા જ વિદ્યાર્થીઓના દફતરમાં આ બંને મહાગ્રંથો હોવા જોઈએ.અને તેનું સમગ્ર આયોજન ટૂંક સમયમાં શિક્ષક સંઘ હાથ ધરશે.ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલે ચિત્રકૂટ એવોર્ડ મેળવનારા શિક્ષકો ધન્ય બન્યા છે અને આ સમાજનો પાયો નાખનાર શિક્ષકો છે તેનું ઉદાહરણ આપીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ દ્વારા થયેલા કાર્યોની પણ તેઓએ ઝાંખી કરાવી હતી.
પૂ. મોરારીબાપુ એ કહ્યું કે આપ સૌ મોટા પ્રમાણમાં અહીં પધારો છો તે અમારા માટે ગૌરવની વાત છે. જ્યારે જ્યારે તમે અહીંથી પસાર થાવ ત્યારે જરૂરથી પધારજો. એટલું જ નહીં પણ હજુ વધારે પ્રમાણમાં ચિત્રકૂટ ધામ શિક્ષકોનું સન્માન કરવામાં નિમિત બની શકે તે માટે અમારો પ્રયત્ન છે.મહુવાને જિલ્લો હજુ મળ્યો પણ જો મળે તો આપણે મહુવાને પણ આ એવોર્ડ આપવા માગીએ છીએ. રામાયણ અને ભગવદ્ ગીતા અને રામાયણ માનવની બે આંખો છે અને જો તેમના દફતરમાં હશે તો જરૂરથી એક ઉત્તમ કામ આપણે કરી શકીશું. બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંગીનું કપરું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે, જે સ્વચ્છ ઉત્તરદાયિત્વ માટેના કામને આવકારું છું.
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત શિવકુજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામબાપુએ શિક્ષકોને સંબોધતા શિક્ષકોનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું હતું કે, નિષ્ઠાએ ગુણનું સ્વતંત્ર મૂલ્ય છે. મા, માસ્તર અને મહાત્મા તથા ગુરુ નરમાંથી નરોત્તમ બનાવી શકે છે. શિક્ષણથી નૈતિક મૂલ્યો મળે છે. જ્યારે વિદ્યા વિદ્વાન બનાવે છે. તો કેળવણી જીવનનું ઘડતર કરે છે, કેળવણીની જરૂરી છે. માટે શિક્ષણ,વિદ્યા અને કેળવણીનો આધાર સ્તંભ શિક્ષક છે. મહુવા તાલુકાના શિક્ષક સંઘના શૈક્ષણિક અધિવેશન સાથેના આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના ચાર નિવૃત શિક્ષકોને સન્માન વિદાય આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અતિથિ તરીકે પદ્મશ્રી સરિતા જોશી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પંડ્યા,બગદાણાએ સંભાળ્યું હતું. આભાર વિધિ મહામંત્રી જગદીશભાઈ કાતરીયાએ કરી હતી . કાર્યક્રમમાં જયદેવ માંકડ, રસિકભાઈ અમીન, મહેન્દ્રસિંહ વીંછિયા,મધુકર ઓઝા, ગજેન્દ્રસિંહ વાળા, ગણપતભાઈ પરમાર, દીપેન્દ્રભાઈ ધાંધલ,ટીપીઓ બારડ,સરપંચ ભોળાભાઈ કલસરિયા,બીઆરસી હિરેનભાઈ ઉપસ્થિત હતા.સૌ માટે ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા રહી હતી.
Recent Comments