5 મી સપ્ટેમ્બર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.એક શિક્ષક માંથી દેશના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આ દિવસે યાદ કરીને બાળકોને પોતાની મંજિલ સુધી પહોંચવાની પ્રેરણા આપતો આ દિવસ શિક્ષણ જગતનો સૌથી મહત્વનો છે.
તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલમાં ” શિક્ષક દિવસ ” ની ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસના શિક્ષક તરીકે જવાબદારી નિભાવવા અને અનુભવ પ્રાપ્ત કરવા શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.પોતાના મનગમતા વિષયોને પસંદ કરી બાળકોએ ખૂબ તૈયારી સાથે શિક્ષકનો આનંદ માણ્યો હતો. આજના દિવસે દિવસ નિમિત્તે બાળકોએ વિવિધ જવાબદારીઓ વહન કરી હતી. જેમાં શાળા સંચાલકો , શાળા આચાર્ય , શિક્ષકો અને પટ્ટાવાળા જેવી જવાબદારી ખૂબ જ ઉત્સાહ સાથે નિભાવીને અદ્ભુત આનંદ પ્રાપ્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોમાં અતિ ઉત્સાહ અને કાર્યનો સંતોષ સ્પષ્ટ તરી આવતો હતો. કાર્યક્રમના અંતે જનરલ સેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આખા દિવસ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા. બાળકોમાં રહેલી નેતૃત્વની કુશળતા , આવડત , જવાબદારીઓ નિભાવવી , વિપરીત પરિસ્થિતિમાં કાર્ય કરવાની કળા જેવા ગુણોનો વિકાસ કરતાં આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો અને બાળકોની જવાબદારી ખૂબ જ ઉમદા રહી હતી.


















Recent Comments