રાજ્યના મહત્વના વાઈટલ ઈન્સ્ટોલેશન પર ભવિષ્યમાં આતંકવાદી હુમલો થાય તો તે દરમ્યાન રાજ્યની પ્રથમ રીસ્પોંડર ટીમ તરીકે ચેતક કમાન્ડો ફોર્સના વળતા પ્રહારની જવાબદારી ધ્યાને રાખી આવનાર આફતોને પહોંચી વળવા અને વાઈટલ પોઈન્ટની જગ્યાથી ચેતક કમાન્ડો ફોર્સના અધિકારીશ્રી, જવાનો વાકેફ થાય તે હેતુથી વાર્ષિક એક્શન પ્લાન – ૨૦૨૫ નક્કી કરવામાં આવેલ છે. આ એક્શન પ્લાનના ત્રીજા ક્વાટરમાં પીપાવાવ પોર્ટ, અમરેલી ખાતે બુધવારે મોકડ્રીલ કરવામાં આવી હતી.
આ મોકડ્રીલ અંતર્ગત બપોરે ત્રણ વાગ્યા બાદ એપીએલ ટર્મિનલ પીપાવાવ પોર્ટ ખાતે ત્રણ આતંકવાદી વિસ્ફોટકો અને એકે ફોર્ટી સેવન સાથે ઘૂસ્યા હોવાનો સંદેશ મળ્યો હતો. આતંકવાદી હુમલા અંગેની પ્રથમ જાણ પીપાવાવ સ્થિત મરીન પોલીસ સ્ટેશનને થતા તેમણે સંલગ્ન એજન્સીઓને જાણ કરી હતી. ત્યારબાદ અમરેલી ખાતેથી એસ.ઓ.જી, ક્યુ.આર.ટી, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, સ્થાનિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અમરેલી જિલ્લા પોલીસ વતી એ.એસ.પી ધારી શ્રી જયવીર ગઢવીએ ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે મોરચો સંભાળ્યો હતો. તેમના માર્ગદર્શનમાં વિવિધ ટીમોએ આતંકવાદીઓએ કબજે કરેલા વિસ્તારને કોર્ડન કરી પ્રાથમિક કાર્યવાહી કરી હતી. દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના હુમલામાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી અને આગળ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગાંધીનગર થી અમદાવાદ થઈ અને વિમાન માર્ગે ચેતક કમાન્ડોની ટીમ દિવ એરપોર્ટ ખાતે પહોંચી હતી. સંઘપ્રદેશ દિલથી ચેતક કમાન્ડોની ટીમ મોટરમાર્ગે પીપાવવા ઉપર ખાતે આવી પહોંચતા તેમણે આગળનો મોરચો સંભાળ્યો હતો. ત્રણ કિલોમીટર સુધીની રેન્જમાં સ્નાઈપર ગન દ્વારા ટાર્ગેટને ઠાર કરી શકતી ટીમ સહિતના ચેતક કમાન્ડોએ ઇન્સિડન્ટ કમાન્ડરના માર્ગદર્શનમાં મરીન બિલ્ડીંગ કબજો કરેલા આતંકવાદીઓને જીવિત અથવા મૃત પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
વધુમાં ત્રણ આતંકવાદીઓએ પોર્ટ વિસ્તારની બિલ્ડીંગમાં કાર્યરત ત્રણ કર્મચારીઓને બંધક બનાવી અને સરકાર પાસે રોકડ રૂપિયા તેમજ સલામત નીકળવા માટે હેલિકોપ્ટર સહિતની માંગણીઓ કરી હતી. સ્થાનિક વહીવટી તંત્ર વતી મામલતદાર શ્રી રાજુલા એ આતંકવાદીઓ સાથે વાર્તાલાપ કરી અને માંગણીઓને પ્રશાસન સુધી પહોંચાડી રહ્યા હતા.
આ મોકડ્રીલ અંગે ચેતક કમાન્ડો ઓબ્ઝર્વર ડી.વાય.એસ.પી શ્રી ડી. વી.ગોહિલએ જણાવ્યું હતું કે, રાજ્યના ડી.જી.પી.શ્રી અને ડી.જી.પી શ્રી એ.ટી.એસની સૂચના અને માર્ગદર્શન અન્વયે રાજ્યના મહત્વના વાયટલ સ્થળો પર ચેતક કમાન્ડોની ટીમના સમન્વયથી આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ સહિતની એજન્સીઓની તૈયારીઓ તેમજ આ પ્રકારની ઘટના ઘટે તો કેવી રીતે જવાબ કાર્યવાહી થઈ શકે તેની તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુશળ નેતૃત્વ મજબૂત ઈરાદા અને સફળ આયોજન થકી વિવિધ એજન્સીઓ તેમજ વિભાગોના આંતરિક સંકલન દ્વારા આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. આ સાથે જ બંધક બનાવાયેલા કર્મચારીઓને મોકડ્રીલના અંતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ મોકડ્રીલમાં અમરેલી જિલ્લા પોલીસની વિવિધ એજન્સી અને ટીમ, વહીવટી તંત્ર રાજુલાની ટીમ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ, એ.પી.એલ ટર્મિનલ પીપાવાવ પોર્ટના અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓ જોડાયા હતા.


















Recent Comments