અમરેલી

સાવરકુંડલામાં ઠાકોર સેનાની કારોબારી બેઠક મળી

 સાવરકુંડલામાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની કારોબારી મિટિંગ મળી હતી, જેમાં સમાજના વિકાસ બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનારી ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકાઓમાં રહેવા અને સમાજનો રાજકીય બાબતોમાં આગળ આવવા હાંકલ કરવામાં આવી હતી. ખાસ, અમરેલી જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર સાહેબે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે ગાંધીનગરમાં રાતના ૩ વાગ્યાની મિટિંગમાં અને ઠાકોર સમાજનું ” સરસ્વતી ધામ ” ના ભૂમિપૂજનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમાજમાં વ્યસનમુક્તિના કાર્યક્રમો, શિક્ષણમાં કેવી રીતે આગળ આવવું અને ઠાકોર સેના સમાજને કઈ રીતે મદદ કરશે એમની વાત કરવામાં આવી તેમજ સમાજ અંધશ્રધ્ધામાંથી બહાર આવી શિક્ષણ તરફ વળે તેવી વાત કરવામાં આવી હતી. આ કારોબારીની મિટિંગમાં સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા, નાનાઝીંઝુડા, પીઠવડી, વંડા, સેંજળ, ભેંકરા, મેકડા, ફીફાદ, શેલણા, વિરડી, નાળ, ઠવી, ભુવા, જુનાસાવર, ખડકાળા, બોરાળા, ધજડી, સાકરપરા, મિતિયાળા,  ગીણીયા બગોયા, ખોડિયાણા, બાઠડાના મહત્વના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ તકે અમરેલી જિલ્લા પ્રમુખ ઠાકોર સેના – મથુરજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ સંજય પરમાર, જિલ્લા ઉપપ્રમુખ તેમજ મોટાઝિંઝુડા ગામના સરપંચ પંકજ ઉનાવા, લાલજીભાઈ મકવાણા, વિપુલ પીપળવા વગેરે મહેમાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

Related Posts