અમરેલી

ભરવાડ સમાજના ૨૦ યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે ૧૧મો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન

સાવરકુંડલા શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે, શ્રી મુરલીધર ગોપાલક યુવા ગૃપના સહયોગથી, વી.જે. પારેખ આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે એક ભવ્ય, ધાર્મિક અને સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે, ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું, જેમાં કુલ ૨૦ નવ યુગલોએ પરંપરાગત રીતિ-રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડીને નવી દાંપત્યજીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવની સાથે જ, ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ૧૧મો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ રીતે ધર્મ, શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો હતો.આ ટ્રસ્ટના શિક્ષણ ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ, આ સમારોહમાં  મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું  શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ સાથે સાથે સમાજમાં તાજેતરમાં નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓનું ઉચિત સન્માન કરી સમાજની પ્રગતિને બિરદાવવામાં આવી. તેમજ આ કાર્યક્રમમાં અને છાત્રાલયને નિરંતર સહયોગ આપનાર ઉદાર દાતાશ્રીઓનું માનવાચક સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ સન્માન સમૂહ લગ્નનાં પ્રણેતા અને ભોજન સમારંભના દાતાશ્રી શ્રી મસાભાઈ અરજણભાઈ ઝાપડા (મસાપીર બાપુ, મોમાઈ માતાજીનું મંદિર નાના ઝીંઝુડા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય આયોજનને આશીર્વાદ આપવા મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. શ્રી ઘનશ્યામપુરી બાપુ (ગ્વાલીનાથ મહાદેવ, ઝાઝાવડા દેવ મંદિર-થરા) સહિત અનેક પૂજ્ય સંતો-મહંતો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવયુગલોને અને સમગ્ર સમાજને આશીર્વચન અને સમાજને શિક્ષિત બનવાની જરૂર છે તેમજ પ્રેરક ઉદ્બોધન આપીને આશીર્વાદ વરસાવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું.

કાર્યક્રમની મુખ્ય સિદ્ધિ ભરવાડ સમાજના ૨૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા તે રહી હતી. અંતે, શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલક યુવા ગ્રુપ દ્વારા આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો, આમંત્રિત મહેમાનો, અને સ્નેહીજનોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts