અમરેલી

“અમરેલીની શાન સમાન ૧૨૪ વર્ષ જૂનો ક્લોક ટાવર હવે નવા રંગરૂપે મલકાશે”

આજરોજ અમરેલી જિલ્લામાં પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે અંદાજે રૂ. ૬૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા.

અમરેલી પંથકમાં એક સમયે ગૌરવશાળી ગાયકવાડી શાસન હતું. એ સમયે ગાયકવાડી શાસકોએ અહીં ભવ્ય ક્લોક ટાવર બનાવ્યો હતો. જેને આજે ૨૪ વર્ષ જેટલો સમય થયો છે. આ એક ઐતિહાસિક ધરોહર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિરાસતથી વિકાસ”ના વિઝનને આગળ ધપાવતા પ્રવાસન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક ક્લોક ટાવર માટે રૂ. ૩ કરોડના ખર્ચે રિસ્ટોરેશન પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, જેનું આજરોજ પ્રભારી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે જણાવ્યું કે, ક્લોક ટાવર અમરેલીનો ‘આત્મા’ છે, આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સંરક્ષિત કરવો એ સૌની સહિયારી જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ અને તેમની સમગ્ર ટીમ ‘નવું અમરેલી-વિકસિત અમરેલી’ના ‘ગોલ્ડન ડ્રીમ’ને આગળ ધપાવવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે. તેમણે પગ ધરતી પર રાખીને વિકાસની કેડી કંડારવા માટે શ્રી કૌશિકભાઈ સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ ક્લોક ટાવર રીસ્ટોરેશન સાથે યાદગાર ‘સેલ્ફી પોઈન્ટ’ પણ મુકવા માટે સૂચન કર્યું હતું.

પ્રભારી અને કૃષિમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ અમરેલીની ઘીંગી ધરાના મહાન સંત શ્રી મૂળદાસજી મહારાજના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને શીશ ઝુકાવી ભાવસભર વંદન કર્યા હતા. સાથે  ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને નમન કર્યા હતા.

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કહ્યું કે, અમરેલીના દરેક પડતર પ્રશ્નો ધીમે ધીમે ભૂતકાળ બનાવવા માટે અમે ભેખ લીધો છે. આપણા ઐતિહાસિક ક્લોક ટાવરની કાયાપલટનો પ્રોજેક્ટ થકી હવે ક્લોક ટાવરની ઘડિયાળ ટકટક થઈને ટાવરને ધબકતો કરશે. તેમણે ઉમેર્યું કે, નજીકના સમયમાં શહેરની ચારેબાજુ ભવ્ય પ્રવેશદ્વારો નિર્માણ પામશે, અમરેલી માટે જી.આઈ.ડી.સી, બાયપાસ રોડ, શહેરને નિયમિત રીતે પીવાનું શુદ્ધ પાણી મળે તે દિશામાં અમે સતત અગ્રેસર બનીને તેજ ગતિએ આગળ ધપી રહ્યા છીએ.

ઐતિહાસિક ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી અને તેમની સમગ્ર ટીમ, અન્ય હોદ્દેદારશ્રીઓ, અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારશ્રીઓ, ટાવર ચોક વેપારી મંડળ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત મહાનુભાવો અને બહોળી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts