સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી રામજી અમરશી સેનિટોરિયમ ખાતે શ્રીવિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલાના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર તારીખ ૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભવ્ય રીતે યોજાનાર છે.
સાહિત્ય, સંગીત અને કળાની સમૃદ્ધ પરંપરાથી સુશોભિત સાવરકુંડલા શહેર કાઠિયાવાડી આત્મીય સ્વાગત પરંપરા, જોગીદાસબાપુ ખુમાણની વિરાસત, શ્રી લલ્લુભાઈ શેઠની કર્મભૂમિ તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રેરક બળ એવા શ્રી રતિલાલ બોરીસાગર જેવી મહાન હસ્તીઓની સ્મૃતિઓથી ગૌરવંતું છે. સેવા અને સંસ્કારને જીવનમંત્ર બનાવનાર વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતાની સાદગી અને જીવદયા પરંપરાથી આ શહેર માનવતાની ઊંચી મિસાલ રૂપે ઓળખાય છે.
આ શહેરમાં ગૌશાળાઓ, માનવમંદિરના ભેખધારી પ.પૂ. ભક્તિરામબાપુ, પ.પૂ. ઉષામૈયાશ્રી (શિવ દરબાર આશ્રમ, કાનાતળાવ)ની તપોભૂમિ તથા નિર્દોષાનંદ આશ્રમની નિશ્રામાં સંસ્કાર અને સંવેદનાનો સુંદર સંગમ સર્જાયો છે. સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણના મૂલ્યોનો પ્રસાર થાય છે. આવા સંસ્કારસભર વાતાવરણમાં વિશ્વ વંદનીય પ.પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે ત્રિદિવસીય જ્ઞાનસત્રનું આયોજન થવું સાવરકુંડલા શહેર માટે ઐતિહાસિક ગૌરવની બાબત છે.
આ જ્ઞાનસત્ર દરમિયાન ગુજરાત તેમજ ગુજરાત બહાર વસતા ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે સતત કાર્યરત અગ્રણી લેખકો, કવિઓ, નિબંધકારો તથા મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહેશે. જ્ઞાનસત્રનું આયોજન તારીખ ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન શ્રી રામજી અમરશી સેનિટોરિયમના વિશાળ પ્રાંગણમાં કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક આયોજન માટે સાવરકુંડલામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.આ વિશાળ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટ, શ્રીવિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા તથા કાણકીયા કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિયા સાહેબ વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે.
જ્ઞાનસત્ર આયોજનના સંદર્ભે તાજેતરમાં કાણકીયા કોલેજ ખાતે શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને પત્રકારમિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જ્ઞાનસત્ર અનેક રીતે વિશિષ્ટ બનવાનું છે. કળા, સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય આપતી ચર્ચાસત્રો, સંગીતની મનોહર રાત્રિ, જુની રંગભૂમિના સુપ્રસિદ્ધ ગીતોની પ્રસ્તુતિ તથા કવિ સંમેલન જેવી વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ આ જ્ઞાનસત્રને યાદગાર બનાવશે.
આ જ્ઞાનસત્રમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી તથા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જક શ્રી રઘુવીર ચૌધરી, હાસ્યકાર સર્જક શ્રી રતિલાલ બોરીસાગર, વિશ્વવિખ્યાત ચિત્રકાર-નિબંધકાર શ્રી ગુલામ મોહંમદ શેખ સહિત અગ્રણી સર્જકો અને નવોદિત અધ્યાપકો પોતાનો સ્વાધ્યાય રજૂ કરશે.
આ જ્ઞાનસત્રને લઈને સમગ્ર ગુજરાતના સાહિત્યરસિકોમાં તેમજ સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનની વિશેષતા એ છે કે તબીબી સેવા અને જીવદયાની ઉત્તમ પ્રવૃત્તિ કરતી સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા કળા અને સાહિત્યના સંવર્ધન માટે આ ભવ્ય જ્ઞાનસત્રનું આયોજન કરી રહ્યા છે. આ દરમ્યાન આશરે ૪૦૦ જેટલા સાહિત્યરસિકો ત્રણ દિવસ સાવરકુંડલામાં નિવાસ કરશે, વિદ્યાગુરુ ફાઉન્ડેશનની આત્મીય મહેમાનગતિનો અનુભવ કરશે અને કળા-સાહિત્યની ઊંડી સમજણ સાથે પરત ફરશે.
આયોજક મિત્રો સાવરકુંડલા શહેર તથા આસપાસના તમામ સાહિત્યરસિકોને આ ઐતિહાસિક જ્ઞાનસત્રની વિવિધ બેઠકોમાં હાજરી આપવા હૃદયસહ આમંત્રણ પાઠવે છે.


















Recent Comments