મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમ વાર અલાયદૂ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે.
આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું.
ગુજકોમાસોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી, સમયસર અને વ્યાજબી ભાવે ખાતર, દવાઓ, બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજકોમાસોલની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકોમાસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુએડિશન-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહવાન કર્યું છે તેને ગુજકોમાસોલ ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે ખરીદી, પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડીને પાર પાડી રહ્યું છે. ગુજકોમાસોલે સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા ૧૧ વર્ષોમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં ૨૯ વિવિધ ક્ષેત્રોમાં ૮ લાખ જેટલી કો-ઓપરેટિવ્સના સુચારું વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે જણાવ્યું કે, દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ્સ થયા છે. નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ્ડ અને અદ્યતન થઈ રહી છે. ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ ૧૫૦૦ એ.પી.એમ.સી.ને જોડવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીએ આપેલા સંકલ્પને પાર પાડવામાં સહકારી ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ છેવાડાના ખેડૂતો સુધી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના વિતરણ ઉપરાંત ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી સુપેરે પૂરી પાડવા માટેની સુદ્રઢ માળખાકીય સુવિધા ધરાવતી રાજ્યની અગ્રણી સહકારી સંસ્થા છે. ખેડૂતોની ઉન્નતિ માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુજકોમાસોલ હરહંમેશ સરકાર અને ખેડૂતોની પડખે રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને ગુજકોમાસોલ ખરા અર્થમાં સાકાર કરી છે. તેમણે કહ્યું હતું કે, વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર અને સરકારના ધોરણો અનુસાર ૨૦ ટકા જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને આજે ગુજકોમાસોલ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે.
ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવાયેલા વિવિધ પરિણામલક્ષી નિર્ણયોના પરિણામે આજે ગુજકોમાસોલ સંસ્થા સભાસદોને ૨૦ ટકા સુધીનું ડિવિડન્ડ પૂરી પાડી રહી છે. એક સમયે ગુજકોમાસોલનો વાર્ષિક નફો માત્ર રૂ. ૫ કરોડ હતો, આજે ગુજકોમાસોલ રૂ. ૧૪ કરોડ જેટલો માતબર ઇન્કમટેક્સ ભરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી બીપીનભાઇ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકસી રહેલા સહકારી ક્ષેત્ર ઉપરાંત ગુજકોમાસોલની કાર્યપદ્ધતિ અને તેની સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આશિષ દવે, ગુજકોમાસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાન-પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments