અમરેલી

સાવરકુંડલા શહેરમાં હવે જોઈએ તેવો મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને પતંગ ઉડાડવાનો માહોલ હજુ પહેલાં જેવો જોવા મળતો નથી

આમ તો મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ જેને પતંગ ઉડાડવાનું પર્વ પણ કહી શકીએ છીએ એ પર્વને માત્ર એક સપ્તાહની જ વાર છે ત્યારે સાવરકુંડલા શહેરમાં હજુ જોઈએ તેવો પતંગ ઉડાડવાનો માહોલ જોવા મળતો નથી. મોટેભાગે સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણ અગાઉ પંદર દિવસ પહેલાં સાવરકુંડલાના આકાશમાં અનેક પતંગો ઊડતાં જોવા મળતાં હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણ કંઈ અલગ જ જોવા મળે છે. બીજી બાબત એ પણ ખરી કે આપણે અવારનવાર વર્તમાનપત્રોમાં ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટનાના સમાચાર સાંભળીએ છીએ. જો કે ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવવા માટેના ઉપયોગ પર પ્રતિબંધ પણ છે. છતાં કોણ જાણે કેમ ચાઈનીઝ દોરી કચાંક છાનેખૂણે વેચાતી હશે એ તો રામ જાણે.. જો કે પતંગ રસિયાઓમાં પણ હવે પક્ષી બચાવો અભિયાનની થોડી ઘણી અસર થઈ હોય તેવું પણ લાગે છે. કદાચ પતંગ ઓછી માત્રામાં ઉડાવવાનું એ કારણ પણ હોય શકે. વળી કાચ પાયેલ દોરીથી પતંગ ઉડાડવાથી કદાચ કોઈ પતંગ જરૂર કપાશે પરંતુ કચારેક આકાશમાં વિહરતાં પક્ષીઓ આ દોરીનો ભોગ બનતાં હોય એ પણ પણ એટલું જ વાસ્તવિક છે. એટલે પતંગ ઉડાડવાનો આ આનંદ ઘણી વખત અન્ય માટે પીડા પણ નોતરી શકે છે.

એટલે આ સંદર્ભે પણ જનજાગૃતિ ખૂબ આવશ્યક છે. બસ ઉત્તરાયણ નજીક હોય બહાર નીકળતી વખતે ગળા આસપાસ કપડું વીંટાળીને જ નીકળવું.. અકસ્માત કોઈ પણ સમયે થઈ શકે છે. ખાસકરીને દ્વિચક્રી વાહનો પર સવાર થતી વખતે ખાસ સાવધાની રાખવી. એમાં પણ આપનાં નાનાં ભૂલકાઓ જો વાહનમાં સાથે હોય તો તેને ગળા આસપાસ કપડું કે મફલર વીંટાળવાની તકેદારી રાખવી.દ્વિચક્રી વાહનોમાં આપના વહાલસોયા બાળકોને આગળ તો હમણાં ન જ બેસાડવા. અને આપ પણ જયારે પતંગ ઉડાવો ત્યારે તો કાચ પાયેલ દોરીનો ઉપયોગ ન કરવો. અને સવાર સાંજ પક્ષીઓ અવરજવર કરતાં હોય આ સમય દરમિયાન પતંગ ન ઉડાવવી જોઈએ.

Related Posts