અમરેલી

બવાડી પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકે નવતર પ્રયોગ થકી વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ સરળ બનાવ્યા

ડિજીટલ સ્માર્ટ બોર્ડની સગવડતા ધરાવતી સરકારી શાળાના શિક્ષકો પણ સ્માર્ટ છે! કેટલાક વિષયો બાળકોને ભણવામાં અધરા લાગતા હોય છે. બાળકોને સરળતાથી પાયાનું શિક્ષણ આપી શકાય ઉપરાંત બાળકો અઘરા લાગતા ટોપિક્સ સરળતાથી સમજીને શીખી શકે તે માટે બવાડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વરૂણકુમાર દવેએ ટેક્નોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે.

વર્ષ ૨૦૨૫માં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર વિજેતા શ્રી વરૂણકુમાર દવે વિજ્ઞાનપ્રેમી જીવ છે. તેમણે ટેક્નોલોજી આધારિત શિક્ષાના વિવિધ નવતર પ્રયોગો હાથ ધર્યા છે. વરૂણકુમારે મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ ડેવલપ કરી, જેના થકી તેઓ શાળાના બાળકોને વૈદિક ગણિત સરળતાથી શીખવી રહ્યા છે.  આ એપમાં 2D અને 3D પરિમાણીય આકૃતિ છે. જેના વડે બાળકો વિજ્ઞાનના અઘરા ગણાતા ટોપિક્સ પણ સરળતાથી ભણી રહ્યા છે.

ગુજરાતમાં ૧૦ હજાર બાળકોએ આ એપ ડાઉનલોડ કરી છે. ઉપરાંત આ એપની મદદથી બાળકો વિજ્ઞાનના ૩૬૦ ડિગ્રીના વીડિયોઝ પણ જોઈને શિક્ષણ મેળવી શકે છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીની ઉભરતી ટેકનોલોજી થકી શાળાના બાળકો VR બોક્સના માધ્યમથી વિજ્ઞાનના ગહન કોન્સેપ્ટ શીખી રહ્યા છે. માનવ શરીરમાં હ્રદયની કામગીરી, શ્વસનતંત્ર અને કંકાલતંત્ર સહિતના અઘરા ગણાતા ટોપિક્સ અને વિજ્ઞાન વિષયને વરૂણકુમાર દવેએ આ નવતર પ્રયોગ થકી એકદમ સરળ બનાવી દીધો છે.

આધુનિક ટેક્નોલોજી થકી દુનિયામાં અનેક બદલાવો આવ્યા. શિક્ષકશ્રી વરૂણકુમાર દવેએ ‘ડેટા એનાલિસીસ રોબોટ’ બનાવ્યો છે. જે સ્માર્ટ હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનો એક મહત્વનો ભાગ ગણી શકાય. વિજ્ઞાનમાં ભણવામાં આવતા ટોપિક્સ જેમ કે, હાર્ટબીટ કેવી રીતે કાઉન્ટ થાય ?, બ્લડ પ્રેશર એટલે શું ? લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય ? વગેરે ટોપિક્સનું રોબોટના માધ્યમથી લાઈવ પ્રયોગો કરીને શિક્ષણ મેળવી રહ્યા છે. આ સ્માર્ટ રોબોટના નવતર પ્રયોગ થકી વિજ્ઞાન વિષય પ્રત્યે બાળકોનઓ રસ-રૂચી વધ્યા છે. વર્ષ ૨૦૨૩માં આયોજિત ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટમાં આ રોબોટને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. 

બાળકો ગણિત અને વિજ્ઞાનના કોયડા, સિધ્ધાંતો, સૂત્રો સરળતાથી સમજી શકે, શીખી શકે તે માટે ગણિત વિજ્ઞાન કીટ અને પોકેટ સાઇઝ ડિક્શનરી સહિતના નવતર પ્રયોગો થકી છેવાડાના અંતરિયાળ વિસ્તારના બાળકોને શ્રી વરૂણ દવે પાયાની શિક્ષા સરળ રીતે પૂરી પાડી રહ્યા છે.

શિક્ષકશ્રી વરૂણ કુમાર દવેને શિક્ષણનો વારસો પરિવાર પાસેથી મળ્યો. તેઓ વર્ષ ૨૦૧૫થી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે દિક્ષા ડિજીટલ પોર્ટલમાં ઈ-કોર્સ નિર્માણમાં પણ (કોમ્પ્યુટર વિષય) પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.

વર્ષ ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિ અમલી બની છે. આ શિક્ષા નીતિમાં વ્યાવસાયિક શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘જીવન શિક્ષણ’ માસિકમાં મે-જૂન,૨૦૨૫ અંકમાં શ્રી વરૂણકુમાર દવે દ્વારા લિખિત વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત લેખ પણ પ્રસિદ્ધિ પામ્યો છે.

હવે સરકારી શાળાઓ ડિજિટલ બની છે. સ્માર્ટ બોર્ડના માધ્યમથી બાળકો સરળતાથી શિક્ષા મેળવી રહ્યા છે. સ્માર્ટ શિક્ષકો શિક્ષા ક્ષેત્રે અવનવા પ્રયોગો અને નવતર અભિગમો થકી શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. ટેક્નોલોજીનો ઉપયોગ બાળકો પણ સરળતાથી કરી રહ્યા છે. જેના ઉત્કૃષ્ટ હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત સરકારે નવતર પ્રયોગો કરનાર શ્રેષ્ઠ સારસ્વતોને પુરસ્કાર અર્પણ કરીને તેમની શિક્ષણ સેવાને બિરદાવી હતી.

Related Posts