કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ
ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬” નું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના
ગોપનાથ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના
અધિકારીઓ અને CISF ભાવનગર યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં
આવ્યું હતું. ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને કુમ કુમ તિલક કરીને તથા પુષ્પવર્ષા કરી વધાવી હતી.
ગોપનાથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
દ્વારા દેશભક્તિના ગીતો વંદે માતરમ, ભવતું ભારતમ સહિતના ગીતો પર સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક
કાર્યક્રમોએ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. આ દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણમાં જોશ અને
ઉર્જાનો સંચાર કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. CISF ના જવાનો અને ગામલોકો વચ્ચે
યોજાયેલ વિવિધ રમતોમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તા. ૬ ફેબ્રુઆરીના૨૦૨૬ ના રોજ સાયકલ
યાત્રા ગોપનાથ મહાદેવ મંદિરથી તળાજા, કોબડી, નારી ચોકડી, ધોલેરા થી વટામણ ચોકડીના રૂટ થી આગળ
પ્રસ્થાન કર્યું હતું. CISF ભાવનગર યુનિટ દ્વારા આ યાત્રાના સમગ્ર રૂટનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના
ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારાની સાયકલ યાત્રાની ટીમે ૨૮
જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે ૬,૫૦૦ કિમી લાંબી આ યાત્રા ૨૨
ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે. આ યાત્રામાં ૫૦ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘નારી
શક્તિ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વની
છે. આ સાયકલોથોન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને
વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રી જે. આર. સોલંકી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ
પરમાર, CISFના વડા કમાન્ડન્ટશ્રી હરેન્દ્ર, સિનિયર કમાન્ડન્ટશ્રી બી.સી. યાદવ, ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી સંદીપ ચક્રવર્તી,
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી શિવાંગી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી. એન. ચૌધરી, મામલતદાર શ્રી એન. ડી. જાની,
CISF ના જવાનો અને સાયકલવીરો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments