અમરેલી

સાવરકુંડલામાં વિસરાતી જતી મેદાની રમતોનો ગુંજારવ. ૧૦૦૦થી વધુ બાળકોએ રમતોત્સવમાં લીધો ભાગ

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે મેદાની રમતો વિસરાઈ રહી છે, ત્યારે નવી પેઢીમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે તેવા ઉમદા હેતુ સાથે સાવરકુંડલામાં એક અનોખો રમતોત્સવ યોજાયો હતો. શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં કન્વીનર કેતનભાઈ ખુમાણના નેતૃત્વ હેઠળ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ વ્યાયામમંદિરના પ્રાંગણમાં ધામધૂમથી ઉજવાયો હતો.

​બાળકોમાં અનેરો ઉત્સાહ:

આ રમતોત્સવમાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૫ ના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિઘ્ન દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ અને સંગીત ખુરશી જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ લીલી ઝંડી આપી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સૂચન કર્યું હતું કે, આવી રમતો શિક્ષણનો અભિન્ન ભાગ બનવી જોઈએ. સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા યોગ અને સૂર્યનમસ્કારના દાવ પણ કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે શહેરના વિકાસના પ્રતીક સમાન ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ અને ‘અટલ સરોવર’ની મુલાકાત સરકારી શાળાના બાળકો લે તે માટે જરૂરી સહકાર આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

​ વ્યાયામમંદિરના વિનુભાઈ રાવળે જાહેરાત કરી હતી કે સંસ્થા દ્વારા ટૂંક સમયમાં કાયમી યોગ સેન્ટર શરૂ કરવામાં આવશે.

​ જો સરકારી શાળાઓ બાળકોને વિકાસ પ્રોજેક્ટ્સ બતાવવાનું આયોજન કરશે, તો સંસ્થા દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. એવું વિનુભાઈ રાવળ દ્વારા જાહેર વક્તવ્યમાં કહેવામાં આવેલ. 

​ કન્વીનર કેતનભાઈ ખુમાણે આગામી સમયમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ આવો જ રમતોત્સવ યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે પ્રમુખ પ્રવિણભાઈ પારેખ દ્વારા તમામ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દીપકભાઈ માલાણી, મેહુલભાઈ ત્રિવેદી, અનિરુદ્ધસિંહ રાઠોડ, પ્રવીણભાઈ સાવજ, શરદભાઈ પંડ્યા, રાજુભાઈ નાગ્રેચા, મોહિતભાઈ સુદાણી સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યાયામમંદિરના ટ્રસ્ટીઓ  પ્રવિણભાઈ પારેખ, દીપકભાઈ શેઠ, વિનુભાઈ રાવળ, મુકુંદભાઈ નાગ્રેચા તથા ગુણવંતભાઈ ત્રિવેદી સમેત તમામ કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ ખુમાણ કન્વીનર શ્રી દ્રારા કરવામાં આવ્યું હતું 

સમગ્ર કાર્યક્રમે શહેરમાં એક અનોખી ભાત પાડનાર સાબિત થયેલ. વિદ્યા જગતમાં નાના ભૂલકાઓ પણ શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે તો ભારતને વિશ્ર્વગુરુ બનતા કોણ રોકી શકે?? 

Related Posts