સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે લોકો વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરતાં જોવા મળ્યા. આમ તો સાવરકુંડલા શહેરમાં પતંગ રસિયાઓ આ દિવસે પતંગ ચડાવતાં જોવા મળ્યા જો કે સનાતની પરંપરા મુજબ આ પર્વ ખાસ તો દાન પૂણ્ય કરવાનો પવિત્ર તહેવાર છે. ખાસકરીને આ પર્વ નિમિત્તે કરેલું દાન માનવને અનેકગણું પૂણ્ય પ્રાપ્ત કરવાનું માધ્યમ બને છે. જેથી આ પર્વ નિમિત્તે લોકો ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવતાં પણ જોવા મળેલ. સાવરકુંડલા શહેર એટલે ધાર્મિક સંસ્કારો ધરાવતું નગર.. અહીં સાવરકુંડલા ખાતે ઘણી ગૌશાળાઓ આવેલી છે. જેમાં શ્રી સાવરકુંડલા ગૌશાળા સૌથી જૂની અને તાલુકાની મોટી ગૌશાળા છે. અહીં બિમાર ગાયોની પણ સારવાર અને સારસંભાળ રાખવામાં આવે છે.તો સાવરકુંડલા દેવળા ગેઈટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળામાં તો લૂલી લંગડી બિમાર અને અશક્ત ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે.
આ ગૌશાળાને આર્થિક ઉપાર્જનનું કોઈ માધ્યમ નથી એટલે કેવળ દાતાશ્રીના સહયોગથી જ આ ગૌશાળાનો નિભાવ થાય છે. તો સમર્પણ ગૌશાળા પણ આવી અશક્ત બિમાર ગાયોની સેવા ચાકરી કરે છે. આ પર્વ નિમિત્તે ગૌશાળાના સેવકો ગાયોના ઘાસચારા માટે દાતાઓ પાસેથી દાન પ્રાપ્ત કરતાં જોવા મળેલ.
આમ તો આ પર્વ પર સવારથી લોકો ગાયોને ઘાસચારો અને જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ મુજબ દાન કરેલ. જો કે હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો પતંગ ઉડાડવાની માત્રામાં ઘટાડો થયો છે. આ પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે પણ સેવાકીય સંસ્થાઓ સતત તૈયાર રહેલ. સાવરકુંડલા શહેર આ પર્વ નિમિત્તે અંદાજિત દસેક હજાર કિલો ઊંધિયું ઝાપટી ગયા. આ ઉપરાંત શેરડી, તલ, મમરા, અને દાળિયાના લાડવા કે ચિક્કી પણ લોકોએ ભરપેટ આરોગી. એકંદરે મકરસંક્રાંતિ પર્વ સાવરકુંડલાના લોકો ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ. જો કે નવી જનરેશનમાં હવે નવો ટ્રેન્ડ જોવા મળે છે. આ જનરેશન મોટેભાગે રજાના દિવસોમાં હરવા ફરવામાં વધુ માને છે એટલે એક બે દિવસ મળે તો પણ સહેલગાહે નીકળી પડે છે. જો કે ટૂંકમાં કહીએ તો મકરસંક્રાન્તિ એ ભારતીય સંસ્કૃતિનો વિશિષ્ટ તહેવાર છે. આ પર્વ પર મોટાભાગના લોકો પોતાના અગાસી પર પતંગ ચડાવતાં તો કોઈ ફિરકી પકડીને પતંગ ચડાવવામાં મદદ કરતાં તો કોઈ વળી કોની પતંગ કેવી ચડે છે એ અગાસી પર બેઠા બેઠા જોઈને આનંદ માણતાં જોવા મળેલ.


















Recent Comments