અમરેલી

સાવરકુંડલામાં સેવાની શીતળતા: ૪૪ ડિગ્રીની અગનઝાળ વચ્ચે વરિયાળી શરબત બન્યું હજારો માટે સંજીવની

ભલે આભેથી વરસે આગ, 

પણ સેવાની શીતળ ધાર છે,

તરસ્યાના કંઠે ઉતરે ‘વરિયાળી’,                       એ જ ઈશ્વરનો આભાર છે.

–“પાંધી સર”

અમરેલી જિલ્લામાં જ્યારે સૂર્યદેવ અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે સાવરકુંડલાના નવા બસ સ્ટેન્ડ પાસે માનવતાની મહેક પ્રસરી રહી છે. ‘શ્રી દિનેશચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ’ સંચાલિત ‘ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર’ છેલ્લા પાંચ વર્ષથી આકરી ગરમીમાં મુસાફરો અને રાહદારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

આ કેન્દ્ર પર માત્ર તરસ જ નથી છિપાવવામાં આવતી, પરંતુ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીનાના મિશ્રણથી બનેલું આ શુદ્ધ શરબત લૂ અને ડિહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. ટ્રસ્ટના પ્રમુખ મીલનભાઇ દોશી અને નિયામક પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા દરરોજ ૪૫૦૦થી વધુ લોકોને અત્યંત આત્મીયતાપૂર્વક શરબત પીરસવામાં આવે છે.

​સંતોષનું સ્મિત એ જ સફળતા

ભીષણ ગરમીમાં પરસેવે રેબઝેબ થયેલા શ્રમિકો અને મુસાફરો જ્યારે આ ઠંડુંગાર શરબત પીએ છે, ત્યારે તેમના ચહેરા પર જે તૃપ્તિ જોવા મળે છે તેને જ સંચાલકો પોતાની સાચી સફળતા ગણાવે છે. સ્થાનિક અગ્રણીઓ અને શહેરના નાગરિકોએ ટ્રસ્ટની આ નિઃસ્વાર્થ સેવાની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

Related Posts