રાષ્ટ્રીય

દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ સારું રહેશે; ૧૦૫ ટકા વરસાદ પડવાની શક્યતાઓ: હવામાન વિભાગ

ચોમાસામાં સરેરાશથી વધુ ૧૦૫ ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જાેવા મળે : હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા આ વર્ષના ચોમાસા ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને પણ સંપૂર્ણ રીતે લાભ મળવાની આશા છે. આખા દેશમાં સરેરાશ કરતા વધુ એટલે કે ૧૦૫ ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ (આઇએમડી)ના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે પ્રેસ કોન્ફરંસ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫માં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. આ સમાચાર ભારતનાં કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા માનવામાં આવે છે. કારણ કે ભારતમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું ૧૮ ટકા જેટલું યોગદાન છે. આજે પણ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે. દેશની ૪૫ ટકાથી વધુ વસ્તી હજુ પણ કૃષિ આધારિત છે.
ભારતનાં પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને મંગળવારે કહ્યું હતું કે આ વર્ષે, દીર્ઘકાલીન મોસમ પુર્વાનુમાન પ્રમાણે દેશમાં સરેરાશ ૧૦૫ ટકાથી પણ થોડી વધુ વર્ષા થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે એલ નીનોની અસર નહીં થાય તેમ પણ કહ્યું છે. ભારતીય મોસમ વિજ્ઞાાન વિભાગ (આઇએમડી) ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, ભારતમાં ચાર મહિનાની (જૂન થી સપ્ટે) વર્ષા ઋતુમાં સામાન્ય કરતાં વધુ વર્ષા થવાની સંભાવના છે. કુલ દીર્ઘકાલીન વર્ષાની સરેરાશની ગણતરી મુકતા આ વર્ષે સરેરાશ વર્ષા ૧૦૫ ટકા જેટલી એટલે કે ૮૭ સેમી થી વધુ રહેવાની સંભાવના છે. આ વર્ષે ભારતીય ઉપખંડમાં એલ-નીનોની અસર થવાની સંભાવના નથી.
મહત્વનું છે કે, આ વર્ષે એલ-નીનો અને ઇન્ડિયન ઓસિયન ડાઇપોલ સામાન્ય રહેવાનું અનુમાન છે, જે સારા વરસાદના સંકેતો છે. જ્યારે પણ આ બન્નેની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે સારો વરસાદ પડે છે.
દેશમાં ૧ જૂન આસપાસ કેરળમાં વર્ષાનો પ્રારંભ થાય છે. તે પછી આગળ વધતા દેશભરમાં છવાઈ જાય છે પછી સપ્ટેમ્બરના મધ્યથી ચોમાસુ પાછું ફરે છે. જાેકે આ સાથે મહાપાત્રાએ એક ભય તરફ પણ નિર્દેશ કર્યો છે કે દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે. એપ્રિલથી જૂન વચ્ચે કેટલાએ રાજ્યોમાં લૂ લાગવાની ભીતિ રહેલી છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે. અને પીવાના પાણીની પણ સમસ્યા જુન સુધી રહેવા સંભવ છે. કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ, બિહાર તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બંગાળ વગેરેમાં સામાન્યથી સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. દુષ્કાળ પ્રભાવિત મરાઠાવાડા અને તેલંગાણામાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જ એપ્રીલથી જૂન સુધી વધુ કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

Related Posts