રાજ્યના રોડ-રસ્તાઓની ગુણવત્તા અંગે સતત ઊઠી રહેલી ફરિયાદો વચ્ચે, સરકારે અંતે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ ગુરુવારે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને માર્ગોના બાંધકામની ક્વોલિટીમાં કોઈપણ સંજોગોમાં બાંધછોડ નહીં ચલાવી લેવાની સ્પષ્ટ સૂચના આપી છે. જોકે, લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યા સતાવતી હોવા છતાં, સરકાર દ્વારા આ પગલાં મોડે મોડે લેવાયા હોવાનું મનાઈ રહ્યું છે.બેઠકમાં મુખ્યમંત્રીએ શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝીટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ સોંપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, જે રોડ-રસ્તાઓ તેમના મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય, તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.સરકારનો દાવો છે કે માર્ગોના હલકી ગુણવત્તાના કામો કરનારા કોન્ટ્રાક્ટરો પર સખત શિક્ષાત્મક પગલાં લેવાયા છે. અત્યાર સુધીમાં 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લેવાયા છે, જેમાં તાજેતરમાં જ 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, ત્યારે તેમને પણ રાજ્યના ખરાબ રસ્તાનો અનુભવ થયો હતો. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા નહોતા, જેથી તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો હતો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણે PMના કાફલાની ગતિ ધીમી પડી હતી, જેણે ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલી નાખી હતીમુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજી હતી. ત્યારે રાજ્યના રોડની ગુણવત્તા સુધરશે કે કેમ તે જોવું રહ્યું.
ખરાબ રસ્તા મુદ્દે સરકાર મોડે મોડે જાગી, અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ





















Recent Comments