ગુજરાત

પ્રજાના ટેક્સથી સરકારની તિજોરી ભરાય છે,પરંતુ એ જ સરકાર પ્રજાનોઅવાજ સાંભળવા તૈયાર નથીઃ અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નો 1100 કિ.મી.નો

પ્રથમ ચરણ બેચરાજી ખાતે પ્રચંડ જનસમર્થન સાથે પૂર્ણ

ગુજરાત કોંગ્રેસની યાત્રા ઉતર ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૪૦ જાહેર સભાઓ, ૧૫૦ જેટલા સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ અને ૧૧૦૦ કિલોમીટર ની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી.

•             પ્રજાના ટેક્સથી સરકારની તિજોરી ભરાય છે, પરંતુ એ જ સરકાર પ્રજાનો અવાજ સાંભળવા તૈયાર નથીઃ શ્રી અમિત ચાવડા

•             ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાઓના દરવાજા બંધ થવાના છે, તેથી સરકારમાં અશાંતિ ફેલાઈ છે. લોકો હવે ડરીને નહીં, ખુલ્લેઆમ પોતાના હક માટે ઊભા થઈ રહ્યા છેઃ શ્રી અમિત ચાવડા

•             ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનાં બીજા ચરણની શરૂઆત ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના ધામથી કરવામાં આવશે અને તબક્કાવાર સમગ્ર રાજ્યના વિસ્તારોમાં યાત્રા લઈ જઈશું. શ્રી અમિત ચાવડા

•             10,000ના પેકેજથી કોઈ ખેડૂતનું કલ્યાણ થવાનું નથી – દેવા સંપૂર્ણ માફ કર્યા વગર ખેડૂત ફરી ઊભો થઈ શકે નહીં: ડૉ. તુષાર ચૌધરી

•             યાત્રા દરમિયાન ખેડૂતો, મહિલાઓ, શિક્ષિત બેરોજગારો, શ્રમિકો, વેપારીઓ, વિવિધ સમાજના, વિવિધ વર્ગોના લોકોએ વ્યક્ત કરેલી વેદના, પીડા, તકલીફો, આક્રોશ નિવારવા આગામી સમયમાં નિર્ણાયક લડત લડીશું : ડો. તુષાર ચૌધરી

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના ધીમા (ધરણીધર મંદિર)થી શરૂ કરાયેલી 1100 કિલોમીટર લાંબી ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ આજે બહુચર માતાના આશીર્વાદ વચ્ચે બેચરાજી ખાતે પ્રચંડ જનમેદનીની સાક્ષીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ યાત્રાના દરેક પડાવ પર જનતાનું સ્વયંભૂ જોડાણ અને ઉગ્ર આક્રોશે સ્પષ્ટ કરી દીધું છે કે ગુજરાતમાં 30 વર્ષના ગેરવહીવટ, અહંકાર અને તાનાશાહીની સામે હવે પરિવર્તન અણિવાર્ય બની ગયું છે.

સમાપન સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી શ્રી સચિન પાયલટે દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે બધીજ ફ્લાઇટ કેન્સલ થવાથી ગુજરાત ખાતે આવી શક્યા ન હતા પરંતુ તેમણે સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પર લાગેલું દેવાનું ભારણ તેમની જીવનશૈલીને તોડી નાખે છે, અને 10,000 રૂપિયાના નામમાત્ર પેકેજ દ્વારા ખેડૂતનું કલ્યાણ થઈ શકે નહીં. દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોને દેવા માફી આપીને ન્યાય આપ્યો છે, પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર ધનિક મિત્રો માટે હજારો કરોડ માફ કરે છે, જ્યારે ખેડૂત પોતાના પરસેવાના હક માટે ધક્કા ખાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે યુવાનોના ફિક્સ પગાર, ખેડૂતોના દેવા, આદિવાસીઓના હક અને દારૂ–ડ્રગ્સના મુદ્દાઓ પર પ્રજાના આક્રોશે માત્ર ગાંધીનગર જ નહીં, પરંતુ દિલ્હીની સંપૂર્ણ સત્તાને હચમચાવી દીધી છે અને ગુજરાતમાં પરિવર્તન હવે થવાનું જ છે.

રાજ્યના કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કહ્યું કે આ લડાઈ પક્ષની નથી, પરંતુ પ્રજાના અધિકાર અને સન્માનની છે. પ્રજાના ટેક્સથી સરકારની તિજોરી ભરાય છે, પરંતુ એ જ સરકાર પ્રજાનો અવાજ સાંભળવા તૈયાર નથી, એ જ વિરોધ કરવા કોંગ્રેસ આ યાત્રા લઈને નીકળ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે દારૂ–ડ્રગ્સના રાકડાને લઈને કોંગ્રેસે જનતાની વેદનાને જ્યારે યાત્રામાં વાચા આપી, ત્યારે સરકારને સૌથી મોટું દુઃખ એ થયું કે જન આક્રોશ ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાઓના દરવાજા બંધ થવાના છે, તેથી તંત્રમાં અશાંતિ ફેલાઈ છે. લોકો હવે ડરીને નહીં, ખુલ્લેઆમ પોતાના હક માટે ઊભા થઈ રહ્યા છે, અને આક્રોશ એક સુવ્યવસ્થિત લોકઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે ખેડૂત આક્રોશ યાત્રા દરમિયાન 13 દિવસના સતત 1100 કિ.મી.ના પ્રવાસમાં હજારો ખેડૂતો સાથે થયેલી સીધી મુલાકાતથી સ્પષ્ટ થયું કે 10,000ના પેકેજથી કોઈ ખેડૂતનું કલ્યાણ થવાનું નથી – દેવા સંપૂર્ણ માફ કર્યા વગર ખેડૂત ફરી ઊભો થઈ શકે નહીં. ઇનપુટ ખર્ચ વધે છે, બજાર ભાવ નથી, વળતર નામમાત્ર મળે છે, અને તંત્ર પ્રજાની વેદના સાંભળવા તૈયાર નથી; એટલે આક્રોશ ઉદ્દભવવો સ્વાભાવિક છે. કોંગ્રેસ આ આક્રોશને બુદ્ધિપૂર્વક અને શક્તિશાળી રીતે નેતૃત્વ આપી રહી છે.

ઉપસ્થિત સૌ આગેવાનોએ  એક અવાજે કહ્યું કે જ્યારે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકાથી ખેડૂત અધિકાર યાત્રા કરી અને 11 જિલ્લાઓના ખેડૂતોને મળ્યા, ત્યારે સ્પષ્ટ સમજાયું કે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ બેરોજગારીથી પીડાતા યુવાનો, ભ્રષ્ટાચાર અને કાનૂન વ્યવસ્થાના પ્રશ્નો સામે લડતી મહિલાઓ અને દારૂ-ડ્રગ્સના કહેરથી ત્રસ્ત પરિવારોમાં પણ વિકરાળ આક્રોશ છે. એ જ આક્રોશને શક્તિશાળી અવાજ આપવા માટે ધીમા ધરણીધરથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રાનો 1100 કિ.મી.નો પ્રથમ ચરણ આજે બેચરાજી ખાતે પૂર્ણ થયો છે. આ યાત્રા કુલ પાંચ ચરણોમાં યોજાશે; આગામી ચરણ મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂ થશે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી આ યાત્રા વિસ્તરશે. ગુજરાત કોંગ્રેસની યાત્રા ઉતર ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૪૦ જાહેર સભાઓ, ૧૫૦ જેટલા સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ અને ૧૧૦૦ કિલોમીટર ની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી હતી.

ભાજપના તાનાશાહી શાસન સામે ગુજરાત કોંગ્રેસ સંકલ્પ કરે છે કે,

             ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરાવવા માટે નિર્ણાયક લડત લડીશું.

             ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપીશું, ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરાવીને જ ઝંપીશું.

             દારૂ અને ડ્રગ્સને ગુજરાતમાંથી સંપૂર્ણ નાબૂદ કરીશું.

             ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત અપાવીશું.

             ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા ધકેલીશું.

આ જન આક્રોશ યાત્રા સડકથી લઈને વિધાનસભા સુધી અને વિધાનસભાથી લઈને સંસદ સુધી ચાલુ રહેશે – જ્યાં સુધી ગુજરાતના દરેક નાગરિકને ન્યાય, સન્માન અને અધિકાર મળતા નથી.

જન આક્રોશ યાત્રાના સમાપન કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારીશ્રી સુભાષીનીબેન યાદવ, એ.આઈ.સી.સી. સેવાદળના ચેરમેનશ્રી લાલજીભાઈ દેસાઈ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રૂત્વિકભાઈ મકવાણા, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી દિનેશ ઠાકોર, શ્રી વિમલ ચુડાસમા, શ્રી અમૃતજી ઠાકોર, મહેસાણા જીલ્લા પ્રમુખશ્રી બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, લાખાભાઈ ભરવાડ, શ્રી બાબુજી ઠાકોર, શ્રી ચંદનજી ઠાકોર, શ્રી નૌષાદભાઈ સોલંકી, શ્રી ભરતજી ઠાકોર, શ્રી રાજેશભાઈ ગોહિલ, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, સહિત ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલ શહેર-જિલ્લા-તાલુકા પ્રમુખશ્રીઓ અને સેલ-ડીપાર્ટમેન્ટ-ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણના સમાપન કાર્યક્રમ સભાનું સંચાલન શ્રી હિમાંશુભાઈ પટેલે કર્યું હતું.

Related Posts