સાવરકુંડલાની ધરતીના છોરું, સાવરકુંડલાના અણમોલ રત્ન, પ્રખર હાસ્યલેખક અને આદર્શ વિદ્યાગુરુ આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને ભારત સરકાર દ્વારા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે સમગ્ર સાવરકુંડલા પંથકની જનતા અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬ના રોજ એક ભવ્ય ‘પદ્મશ્રી ગૌરવ સન્માન ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પટ્ટાંગણમાં યોજાનાર આ કાર્યક્રમ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થશે. રતિલાલ સાહેબ માત્ર એક લેખક જ નહીં, પરંતુ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પાયાના માર્ગદર્શક અને પથ્થર સમાન રહ્યા છે. તેમના સન્માનથી સંસ્થાના ટ્રસ્ટીગણ, મેનેજમેન્ટ અને કર્મચારીઓમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.
સન્માન સમારોહના ભાગરૂપે સાંજે ૭ કલાકે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મુંબઈના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી રાજુલ દિવાન, રતિલાલ બોરીસાગરની ચર્ચિત કૃતિ ‘એન્જોયગ્રાફી’ પર આધારિત એકપાત્રી નાટક (મોનોલોગ) રજૂ કરશે. હાસ્ય અને જીવનદર્શનના આ સમન્વય દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને જીવનને આનંદપૂર્વક જીવવાની પ્રેરણા મળશે.
આ માટે
સાવરકુંડલાની સંસ્કારી જનતાને આ ગૌરવમય ક્ષણોના સાક્ષી બનવા અને પોતાના પનોતા પુત્રને વધાવવા માટે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે.
કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છે. તારીખ: ૧૯/૦૨/૨૦૨૬ (ગુરુવાર)
સમય: સાંજે ૭:૦૦ કલાકે
સ્થળ: શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું પટ્ટાંગણ, સાવરકુંડલા.
વિશેષ ઉપસ્થિતિ: પરમ પૂજ્ય મોરારીબાપુ
તો આ અલભ્ય અણમોલ ઘડીના સાક્ષી બનવા માટે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતા દ્વારા સમગ્ર સંસ્થા વતી સાવરકુંડલાની કદરદાન જનતાને ઉપસ્થિત રહેવ માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.


















Recent Comments