અમરેલી

પ્રાકૃતિક કૃષિમાં કુદરતી ચક્ર એવાં જળચક્ર,ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા

 પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે, આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે, બોનસના રુપમાં મુખ્ય પાક મળે છે, જેનાથી ખેડૂતોને ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે.

મહત્વનું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે-જે સંસાધનોની જરુરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે, પ્રાકૃતિક ખેતીનો નારો છે. “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં” .

પ્રાકૃતિક કૃષિમાં કુદરતી ચક્ર એવાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા છે.

જળચક્ર : જમીન તથા સમુદ્રમાં રહેલું પાણી બાષ્પીભવનથી વરાળ રુપે આકાશમાં જાય છે. વાતાવરણ ઠંડુ થતા આ વરાળ હવામાં રહેલા રજકણો ફરતે પાણીનાં બુંદ બનાવે છે. જે વરસાદ સ્વરુપે જમીન પર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે. જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે. આ કારણે વરસાદના પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે અને સંગ્રહ થાય, સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલ પોષક તત્વો અને ખનીજો દ્રાવ્ય થાય છે. ઉનાળામાં અથવા જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલ પોષક તત્વો સાથે મૂળ પ્રદેશમાં આવે છે અને છોડને જરુરી ભેજ અને પોષકતત્વો પૂરાં પાડે છે. આમ, જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકનાન નથી થતું, અછતના સમયે છોડને જરુરી ભેજ મળી રહે છે.

ખાદ્યચક્ર : છોડના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન (કાર્બોદિત પદાર્થો)નો હિસ્સો ૯૫ થી ૯૬ ટકા જેટલો છે. જેનું નિર્માણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા દ્વારા છોડના પર્ણમાં પાણી અને હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી થાય છે. આથી, પાણી, હવા અને સૂર્યપ્રકાશનું જરુરીયાત મુજબનું વ્યવસ્થાપન થાય તો છોડની ૯૫ ટકા જરુરિયાત સંતોષાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિના આયામોથી આવું જરુરી વ્યવસ્થાપન થાય છે.

નાઇટ્રોજનચક્ર : પાકની વૃદ્ધિ માટે નાઇટ્રોજન તત્વ આવશ્યક છે. હવામાં ૭૮ ટકા નાઇટ્રોજન રહેલો છે. છોડને નાઇટ્રોજન બે પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે ટનબંધ નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઇ વરસાદના પાણી દ્વારા જમીનને મળે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણું દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન તથા છોડને જરુરી સ્વરુપમાં પરિવર્તન થાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં નાઇટ્રોજન ચક્રના કારણે પાકને બહારથી અન્ય કોઈ ખાતર આપવાની જરુરિયાત રહેતી નથી.

Related Posts