જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવી રહી છે ત્યારે હવે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો છે.
ભારતે સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં દરેક પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો અને પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા પાકિસ્તાનથી આવતી દરેક પ્રકારની ટપાલ અને પાર્સલના આદાન- પ્રદાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત સ્તરે ચાલુ હતું. જોકે, ઓગસ્ટ 2019 માં જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી પાકિસ્તાને થોડા સમય માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી હતી. જે બાદમાં ત્રણ મહિના પછી ફરી શરુ કરવામા આવી હતી. પરંતુ હવે, ભારત સરકારે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Recent Comments