ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્યની તમામ જેલ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અમરેલી જિલ્લા મધ્યસ્થ જેલમાં બંદીવાનોને આગામી એક વર્ષ સુધી પ્રતિદિન યોગ શીખવાડવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત યોગ દ્વારા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
યોગ અભ્યાસના કારણે બંદીવાનોના જીવનમાંથી નકારાત્મકતા દૂર થતી જોવા મળી છે તેમજ ભાવનાત્મક સંતુલન અને માનસિક શાંતિમાં વધારો થયો છે. યોગના નિયમિત અભ્યાસથી બંદીવાનોમાં જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે અને તેમના જીવનમાં નવી દિશા તરફનું પરિવર્તન શક્ય બનતું હોવાનું અનુભવાઈ રહ્યું છે.
અમરેલી જિલ્લા જેલમાં અગાઉ યોજાયેલી યોગ શિબિરોની સકારાત્મક અસરને કારણે બંદીવાનોએ યોગ ટ્રેનર બનવા માટેની તાલીમ મેળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આ દિશામાં બંદીવાનો દ્વારા આવેદન કરવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાએ થયેલા એમ.ઓ.યુ. અનુસાર આગામી ૩૧ ડિસેમ્બર સુધી અમરેલી સહિત સમગ્ર રાજ્યની જેલોમાં યોગ શિક્ષણ કાર્યક્રમ સતત યોજાશે. અમરેલી જિલ્લા મધ્યસ્થ જેલમાં અગાઉ યોજાયેલા યોગ કેમ્પમાં બંદીવાનો પર નોંધપાત્ર સકારાત્મક અસર જોવા મળી છે.
જેલના અંદાજે ૧૦ જેટલા બંદીવાનોએ યોગ ટ્રેનર તરીકેની તાલીમ લેવા માટે આવેદન કર્યું છે અને જેલમાંથી મુક્ત થયા બાદ યોગમય, સકારાત્મક અને સ્વસ્થ જીવન જીવવાની ભાવના વ્યક્ત કરી છે.
રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા અને યોગ ટ્રેનર શ્રી રાહુલ અગ્રાવત બંદીવાનોને યોગ, પ્રાણાયમ, આસન, સૂર્ય નમસ્કાર, ધ્યાન અને જીવનશૈલી પરિવર્તન તેમજ મેદસ્વિતા મુક્ત જીવનશૈલી શીખવાડશે. સ્વસ્થ જીવન માટે મેદસ્વિતા મુક્ત જીવનશૈલી વિશે પણ યોગની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવશે.
શ્રી મહેતાએ ઉમેર્યુ કે, આ બંદીવાનો પૈકીના ઘણા ભાઈઓએ જેલમાંથી બહાર આવ્યા બાદ સકારાત્મક જીવન જીવવા માટે ઉત્સાહપૂર્વક ઈચ્છા દર્શાવી છે. યોગ થકી તેમનામાં નિરાશાને જાકારો મળી રહ્યો છે.
હાલ અમરેલી જિલ્લા જેલના ૨૫-૩૦ જેટલા બંદીવાનો નિયમિત યોગ અભ્યાસ કરી રહ્યા છે, જે નકારાત્મકતાથી હકારાત્મકતાની દિશા તરફ એક સૂચક પગલું છે.




















Recent Comments