શહેરમાં જાણે ગુનેગારો ને તો પોલીસ ની સહેજ પણ બીક રહી નથી તેમ લાગી રહ્યું છે, રામોલ વિસ્તારમાં બનેલી એક ઘટના ની વાત કરીએ તો થોડા દિવસ પહેલા બનેલા લૂંટ અને અપહરણ કેસના મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવારને ગઈકાલે પોલીસ કસ્ટડીમાં લઈ જતી વખતે થયેલી અથડામણમાં ગોળી વાગી હતી. આ ઘટનામાં સંગ્રામસિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અથડામણ ત્યારે થઈ જ્યારે આરોપીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમના એક PIની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર (રહેવાસી વસ્ત્રાલ, અમદાવાદ; મૂળ ગ્વાલિયર, મધ્યપ્રદેશ) કુખ્યાત અને હિંસક ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા (IPC 302), પ્રાણઘાતક હુમલો (IPC 307), અપહરણ (IPC 365), ખંડણી (IPC 385, 386) જેવા ગંભીર કલમો હેઠળ કુલ 9 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવા અને હિંસક સ્વભાવ માટે કુખ્યાત છે. રામોલ કેસમાં તેની સંડોવણી સામે આવ્યા બાદ પોલીસે તેને તેના કૌટુંબિક ભાણિયા ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓ સાથે ધરપકડ કરી હતી.
આ ઘટનાક્રમ ત્યારે બન્યો જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી સંગ્રામસિંહને કસ્ટડીમાં લઈ જઈ રહી હતી. ટ્રાન્ઝિટ દરમિયાન, સંગ્રામસિંહે અચાનક પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેણે ક્રાઇમ પીઆઈની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો અને પોલીસને ઘાયલ કરવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અને આત્મરક્ષણ માટે, પોલીસે જરૂરી પગલાં લીધાં. આ અથડામણમાં સંગ્રામસિંહને ગોળી વાગી હતી.
આ અથડામણ બાદ તરત જ પોલીસ ટીમે ઘાયલ સંગ્રામસિંહને પકડી પાડ્યો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો. DCP ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી અને કુલ 53 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આરોપી સંગ્રામસિંહ સામે હવે પોલીસ પર હુમલો કરવા બદલ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ગુનેગારોને પકડતી વખતે પોલીસને કેવા જોખમોનો સામનો કરવો પડે છે.


















Recent Comments