રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ અને ઘનશ્યામનગર, રાજુલાના રામપરા – ૨ તથા કુંભારીયા અને ખાંભાના રાયડી, ધારીના ન્યુ ધારગણી સહિતના ગામોની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી-કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોબંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી.
આ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત રામપરા – ૨ ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક આગેવાનો પાસેથી વરસાદથી જનજીવનને અસરની પણ જાણકારી મેળવી હતી.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે ખાંભા તાલુકાના જુદા જુદા ગામોના સરપંચ- અગ્રણીઓ પાસેથી પણ કમસમી વરસાદથી પાક નુકસાનીની લેખિત સ્વરૂપે રજૂઆતો મેળવી હતી. તે સંદર્ભમાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એક ખેડૂતના દીકરાના નાતે ખેડૂતોની વ્યથા ખૂબ ખૂબ સારી રીતે સમજુ છું, જે ખેતી પાકોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે. તેની રજૂઆત રાજ્ય સરકારમાં પહોંચાડીને જરૂરી સહાય મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશો મુજબ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ખેડૂતો વચ્ચે જઈને કમોસમી વરસાદથી જે મગફળી, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કમોસમી વરસાદથી ખેતી પાક નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ખેડૂતોના પાકને જે વ્યાપક નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે.
રાજ્યમંત્રીશ્રીના આ પ્રવાસ દરમિયાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી જે.વી. કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, અગ્રણી શ્રી અતુલભાઇ કાનાણી સહિતના પદાધિકારી અધિકારીઓ સાથે રહ્યા હતા


















Recent Comments